Gujarat

ભિલાડના સરીગામમાં ગૌવંશની હત્યા કરાતા લોકોમાં ભારે રોષ : પોલીસે એકને પકડી પાડયો, એક ફરાર

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
ગેરકાયદેસર કતલખાના, ચીકનશોપ બંધ કરાવવા અને ગૌહત્યા કરનારાઓ માટે ફાંસીની સજાનો કાયદો બનાવવા માંગ કરાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

ભિલાડના સરીગામમાં ગૌવંશની હત્યા કરાતા લોકોમાં ભારે રોષ : પોલીસે એકને પકડી પાડયો, એક ફરાર

Vapi News : ભિલાડ નજીકના સરીગામ ખાતે રોહિતવાસમાં ગઈકાલે બુધવારે રાત્રે એક અબોલ ગાયની હત્યા કરાતા યુવાનો દોડી ગયા બાદ પોલીસ પહોંચી એક આરોપીને પકડી પાડયો હતો. જયારે એક આરોપી ભાગી ગયો હતો. ઘટના સ્થળેથી છરા અને ગાય મૃત હાલતમાં મળી આવી હતી. આરોપીઓએ ગૌમાંસના વેચાણ માટે અબોલ ગાયની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આજે ગુરૂવારે સરીગામ પંચાયત કચેરી ખાતે મળેલી બેઠકમાં લોકોએ ઘટનાને વખોડી ગેરકાયદે કતલખાના બંધ કરાવવા અને ગૌવંશની હત્યા કરનારાઓ માટે ફાંસીની સજાનો કાયદો બનાવવા માંગ કરાઈ હતી.

ભિલાડ નજીકના સરીગામ ગામે રોહિતવાસમાં આજે ગુરૂવારે મળસ્કે ખુલ્લી જગ્યામાં ગાયની કતલ કરાતી હોવાની માહિતીના આધારે કેટલાક યુવાનોએ વોચ ગોઠવી હતી. બે શખ્સો ગઈકાલે બુધવારે સાંજે ખુલ્લી જગ્યામાં ગાયને બાંધી ગયા હતા. રાત્રે બંને શખ્સો ઘટના સ્થળે પહોંચી ગાયનું ગળુ કાપી હત્યા કરી હતી. જેને લઈ યુવાનો દોડી ગયા હતા. બાદમાં ભિલાડ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા બાદ બે પૈકી એક આરોપી સદામ સાહબુદ્દીન ખાન (રહે. રોહિતવાસ, સરીગામ) ભાગી ગયો હતો. જયારે અન્ય આરોપી મુસ્તકીન ઉર્ફે બાબુ ઈસ્લામ ખાન (રહે. રોહિતવાસ, સરીગામ)ને પકડી પાડયો હતો. પોલીસે ગૌહત્યાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે. આ ઘટનાને પગલે જીવદયાપ્રેમી સહિત લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. આરોપી દ્વારા ગૌમાંસના જથ્થાનું વેચાણ કરવા ગાયની કતલ કરી હતી. મૃત અબોલ પશુની અંતિમવિધી પૂર્ણ કરાઈ હતી.

સરીગામમાં બનેલી ઘટનાને પગલે આજે ગુરૂવારે સરીગામ ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી હતી. જેમાં પંચાયતના સરપંચ સહદેવ વાઘાત, ધારાસભ્ય રમણ પાટકર, પોલીસ અધિકારી, આગેવાનો, વેપારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ ગૌહત્યાની ઘટનાને વખોડી કાઢી ભારે વિરોધ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. વેપારીઓએ સરીગામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના અને ચીકનશોપ બંધ કરાવવા પોલીસ અધિકારીને જણાવ્યું હતું. સામાજિક કાર્યકર રાકેશ રાયે ગૌવંશની હત્યા કરનારાઓ માટે ફાંસીની સજાનો કાયદો બનાવવા માંગ કરી હતી.