Gujarat

નડિયાદમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો મુશ્કેલીઓ ભોગવવા મજબૂર

By GS TEAM
2 Jul 20252 mins read
નડિયાદમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો મુશ્કેલીઓ ભોગવવા મજબૂર

- હાઈકોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ

- મિલ રોડ સર્કલ પર રકડતા ઢોરના અડિંગાથી રોડ સાંકડો થઈ જતા અકસ્માતનો ભય

નડિયાદ : નડિયાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બનતા નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. ચોમાસાની શરૂઆત થતા જ રખડતા ઢોરોના ટોળાઓએ શહેરના જાહેર માર્ગો પર અડિંગો જમાવ્યો છે. જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

નડિયાદ શહેરના મિલ રોડ સર્કલ રખડતા ઢોરો માટે હોટસ્પોટ બની ગયું છે. અહીં રખડતા ઢોરોના કારણે રાહદારીઓ અને વાહનચાલકો સતત પરેશાન રહે છે. રોડ પર જ ઢોરોના અડિંગાથી રસ્તો સાંકડો બની જવાથી ટ્રાફિકજામ સર્જાય છે. 

વાહનચાલકોને સાવચેતીપૂર્વક બંને તરફથી પસાર થવું પડે છે. જો કોઈ ઢોર ગોથું મારે તો વાહનચાલક કે રાહદારીને ગંભીર ઈજા પહોંચે તેવી ભયની સ્થિતિ ઉભી થઈ છે. આ પરિસ્થિતિ માત્ર મિલ રોડ પૂરતી સીમિત નથી. શહેરના મિશન રોડથી પવનચક્કી રોડને જોડતા માર્ગ પર પણ આખા રોડને આંતરીને ઉભેલા રખડતા ઢોરથી સતત ભય રહેલો છે. 

શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોર ધમાલે ચઢીને આખેઆખા રોડને બાનમાં લેતા હોવાની પણ બૂમો ઉઠી રહી છે. 

નડિયાદ શહેરમાં અગાઉ હાઈકોર્ટે રખડતા ઢોર મામલે વારંવાર તંત્રને ટકોર કરી હતી અને સરકારી ગાઈડલાઈન તેમજ હાઈકોર્ટના સૂચનોનું પાલન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી, છતાં તંત્ર દ્વારા તેની ઘોર અવગણના કરવામાં આવી રહી છે. રખડતા ઢોરના મામલે તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને તેમની સલામતી પણ જોખમમાં મુકાઈ છે.