નંદેસરી અને આસપાસ રહેતા હજારો લોકો અને ઉદ્યોગો હેરાન પરેશાન

વડોદરાઃ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વહીવટી તંત્રે નંદેસરીનો મિનિ નદી પરનો બ્રિજ બંધ કરી દીધા બાદ નંદેસરી અને આસપાસમાં રહેતા હજારો લોકો તથા જીઆઈડીસીના ઉદ્યોગકારોની હાલત કફોડી બની ગઈ છે.આ બ્રિજ બંધ થયા બાદ હવે અવર જવર કરવા માટે નંદેસરીનો રેલવે ફાટકવાળા રસ્તાનો વિકલ્પ રહ્યો છે.જ્યાં રોજ ટ્રાફિક જામના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે.
નંદેસરી મિનિ નદીનો બ્રિજ આમ તો પહેલેથી જ જર્જરિત હતો.જેને લઈને સંખ્યાબંધ વખત તંત્ર સમક્ષ રજૂઆતો પણ થઈ હતી.૨૦૨૩માં તેનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને આ બ્રિજ પરથી ભારદારી વાહનોની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી હતી.જોકે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બ્રિજ સદંતર બંધ કરી દેવાયો છે.
વિકલ્પ તરીકે નંદેસરી રેલવે ફાટક વાળો રસ્તો લોકો માટે ઉપલબ્ધ છે.અહીંથી દિલ્હી મુંબઈ કોરિડોરની રોજની સેંકડો ટ્રેનો પસાર થાય છે.જેના કારણે દિવસ દરમિયાન કલાકો સુધી ફાટક બંધ રહે છે.બ્રિજનો ટ્રાફિક પણ આ રસ્તા પર ડાયવર્ટ થયો હોવાથી પીક અવર્સમાં તો રોજ બ્રિજની બંને તરફ ટ્રાફિક જામ થાય છે.જર્જરિત બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે પણ હજી સુધી તેમાં નકકર પ્રગતિ થઈ નથી.નદેસરી રેલવે ફાટકવાળા રસ્તા પર પણ ઓવરબ્રિજ બનાવવાની માગ થઈ રહી છે.









