શહેરના અનેક માર્ગો ખખડધજ બનતા લોકો પરેશાન
શ્રીજીની યાત્રાઓમાં પ્રતિમાને નુકસાન તથા વાહનચાલકોને અકસ્માતનો ભય
હલકી ગુણવત્તાની કામગીરીના આક્ષેપ સાથે લોકોએ આક્રોશ દર્શાવ્યો
હાલ ગણેશોત્સવ પર્વે શહેરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે. ત્યારે ભક્તોને માર્ગ ઉપરના ખાડાથી પ્રતિમાને નુકસાન થવાનો તથા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
શહેરમાં સામાન્ય વરસાદમાં અનેક સ્થળોએ રસ્તાઓનું ધોવાણ થતાં ખાડાઓથી ત્રસ્ત જનતા કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી દર્શાવી રહી છે. છાણી ગામમાં દુમાડ તરફ જતો માર્ગ ખખડધજ બનતા લોકો પરેશાન છે. માર્ગ ઉબડખાબડ થઈ જતા વાહનો પછડાઈ રહ્યા છે. વરસાદ વરસતા રાત્રિના સમયે પાણી ભરેલા ખાડા નજરે ન ચડતા નાના મોટા અકસ્માત સર્જાય છે. જ્યારે ફતેગંજ મુખ્ય માર્ગ ઉપર ખાડાથી ત્રસ્ત વાહન ચાલકનું કહેવું હતું કે, જ્યાં સુધી કોઈનો ભોગ ન લેવાય ત્યાં સુધી તંત્રની આંખો નહીં ખુલે. સામાજિક કાર્યકર્તાએ કોર્પોરેશનની હલકી ગુણવત્તાની કામગીરી સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. તેમજ બાજવા ગરનાળામાં ચોમાસામાં પાણીનો ભરાવો થવાની સમસ્યા વર્ષો જૂની છે. તેવામાં અહીંથી પસાર થવાના માર્ગ પર ઠેર ઠેર મસ મોટા ખાડા પડતા બાજવાના લોકોમાં કોર્પોરેશન અને નેતાઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો છે. આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભાયલી,બિલ સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાની સમસ્યા છે.