વારસિયાના એસ.કે. મેદાનમાં પેવર બ્લોક અને કાટમાળ ઠલવાતાં લોકોમાં રોષ
કાટમાળ હટાવી સફાઈ કરવા માંગ

વારસિયાના એસ.કે. રમતગમત મેદાનમાં છેલ્લા કેટલાક દિવસોથી પેવર બ્લોક તથા કન્સ્ટ્રક્શનનો કચરો ઠલવાતા સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શિત કરી મેદાનમાંથી કચરો દૂર કરવાની માંગ કરી હતી.
વારસિયા વિસ્તારમાં અગાઉ છ થી સાત મેદાનો હતાં, પરંતુ હવે માત્ર આ એક જ મેદાન બચ્યું છે. કોર્પોરેશન દ્વારા અહીં જૂના પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. તેમજ કન્સ્ટ્રક્શન વેસ્ટ પણ ઠલવાઈ રહ્યો છે. મેદાનમાં કચરો ઠલવાતા બાળકો અને ખેલાડીઓને મુશ્કેલી થઈ રહી છે. દિવાળીના વેકેશનમાં બાળકોને રમવા જગ્યા મળે તે માટે અગાઉ રજૂઆત કરી હતી, પરંતુ હજી સુધી કોઈ પગલા લેવાયા નથી. કોર્પોરેશન તરફથી મેદાન કલેકટર હસ્તકનું છે કહી જવાબદારી ટાળી દેવામાં આવી છે. કલેકટર સમક્ષ મેદાનને સ્વચ્છ કરવા રજૂઆત કરવામાં આવશે તેમ આપના કાર્યકરોએ કહ્યું હતું.

