Gujarat

વસ્તડી ગામને જોડતા કાચા ડાયવર્ઝન રસ્તા પરથી લોકો અને પશુઓ જીવના જોખમે પસાર થવા મજબૂર

By GS TEAM
7 Jul 20252 mins read
વસ્તડી ગામને જોડતા કાચા ડાયવર્ઝન રસ્તા પરથી લોકો અને પશુઓ જીવના જોખમે પસાર થવા મજબૂર

- પાકું અને ઊંચું ડાયવર્ઝન બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી

- વરસાદે વિરામ લીધા બાદ પણ ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળતાં અંદાજે 20 થી વધુ ગામોના લોકો સહિત વિદ્યાર્થીઓને હાલાકી

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના વસ્તડી ગામને જોડતા કાચા ડાયવર્ઝન રસ્તા પર વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી નહીં ઓસરતા લોકો સહિત પશુઓ જીવના જોખમે ડાયવર્ઝન રસ્તા પરથી પસાર થતા નજરે પડયા હતા અને તંત્ર દ્વારા આગામી દિવસોમાં પાકુ ડાયવર્ઝન બનાવવામાં નહીં આવે તો સ્થાનીક રહિશો અને આગેવાનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

વઢવાણના વસ્તડી ગામનો મુખ્ય પુલ છેલ્લા બે વર્ષથી ધરાશયી થયા બાદ તંત્ર દ્વારા નવો પુલ બનાવવામાં આવ્યો નથી અને ભોગાવો નદીમાંથી માત્ર કાચો ડાયવર્ઝનનો રસ્તો બનાવવામાં આવ્યો છે જે રસ્તા પર દર ચોમાસામાં પાણી ફરી વળતા વસ્તડી સહિત અંદાજે ૨૦ થી વધુ ગામોના લોકોને હાલાકી પડી રહી છે અને કાચો ડાયવર્ઝન રસ્તો ધોવાઈ જતા ૧૦ થી ૧૫ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે ત્યારે તાજેતરમાં વઢવાણ અને ચુડા તાલુકા સહિત ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળ્યું છે વરસાદે વિરામ લીધાને ૪૮ કલાક જેટલો સમયે વિતિ ગયો હોવા છતાં કાચા ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળ્યું હોવા છતાં સ્થાનીક રહિશો, વાહનચાલકો, વિદ્યાર્થીઓ સહિતનાઓ જીવના જોખમે રસ્તા પરથી પસાર થઈ રહ્યાં છે અને જાનહાની થવાનો પણ ભય સતાવી રહ્યો છે. જે અંગે અનેક વખત રજુઆતો બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે ગ્રામજનો દ્વારા તાત્કાલીક ઉંચો અને પાકો કોઝવે બનાવવામાં આવે તેમજ નવા પુલની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વસ્તડી બ્રિજ વર્ષ ૧૯૬૫માં બન્યો હતો. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ચુડા, રાણપુર, બોટાદ સહિતના ૧૦ ગામોને જોડતા વસ્તડી ગામનો મુખ્ય બ્રિજ પરથી ડમ્પર પસાર થઇ રહ્યું હતું તે વેળા બ્રિજનો ભાગ નીચે ત્રાટકતા ડમ્પરમાં સીધું જ નદીમાં ખાબક્યુ હતું. આ બ્રિજ ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા નવો પુલ બનાવવામાં આવ્યો નથી અને વૈકલ્પિક ધોરણે નદીમાં કાચો ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો છે જે દર ચોમાસામાં ધોવાઈ જતા ગ્રામજનોની હાલત કફોડી બની છે.