Gujarat

હાલોલની બે કંપનીઓને સોલર પેનલના ગેરકાયદે ઉપયોગ બદલ ૭૩ લાખ રુપિયાનો દંડ

By GS TEAM
12 Aug 20251 min read
હાલોલની બે કંપનીઓને સોલર પેનલના ગેરકાયદે ઉપયોગ બદલ ૭૩ લાખ રુપિયાનો દંડ

વડોદરાઃ સોલર પેનલની વધી રહેલા ચલણ વચ્ચે હાલોલની બે કંપનીઓને સોલર પેનલ લગાવીને તેનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ મધ્ય ગુજરાત વીજ કપનીએ ૭૩ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે.

સોલર પેનલના આ પ્રકારના ઉપયોગ માટે દંડ કરવાનો આ પહેલો કિસ્સો છે.વીજ કંપનીના અધિકારીએ કહ્યું હતું કે, હાલોલમાં આવેલી પ્યોરિટી ફ્લેક્સ કંપની તેમજ ટફ રોપ્સ નામની કંપનીમાં વીજ કંપનીએ રુટિન ચેકિંગ હાથ ધર્યું હતું અને આ દરમિયાનમાં ઉપરોક્ત જાણકારી સામે આવી હતી.

અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્યોરિટી ફ્લેકસ નામની કંપનીએ ૫૦ કેવીની ક્ષમતાની સોલર પેનલ લગાડી છે.પરંતુ સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન વગર, વીજ કંપની સાથે કરાર વગર અને વીજ કંપનીનું સોલર મીટર લગાવ્યા વગર આઠ મહિનાથી કંપનીમાં આ સોલર પેનલમાંથી ઉત્પન્ન થતી વીજળીનો વપરાશ થઈ રહ્યો હતો.આ કંપનીને ૩૮ લાખ રુપિયાનો દંડ ફટકારાયો છે.

જ્યારે ટફ રોપ્સ નામની કંપની પાસે સોલર જોડાણ છે પરંતુ આ કંપનીએ ક્ષમતામાં ૧૫૦ કેવીનો વધારો કરવા માટે અરજી કરી હતી.જોકે વીજ કંપનીની મંજૂર મળે તે પહેલા જ વધારાની પેનલો લગાવીને ત્રણ મહિનાથી વપરાશ શરુ કરી દીધો હતો.જેના પગલે આ કંપનીને પણ ૩૫ લાખ રુપિયાનો દંડ કરવામાં આવ્યો છે.બંને કંપનીને દંડ ભરવા માટે ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.જો નિયત સમય મર્યાદામાં કંપનીઓ દંડ નહીં ભરે તો આ કંપનીઓના વીજ જોડાણ કાપી નાંખવાની કાર્યવાહી પણ થશે.