- કરમસદ-આણંદ મનપાના એસ્ટેટ વિભાગની કાર્યવાહી
- 2.40 લાખનો દંડ વસૂલાયો, લોકોને અડચણરૂપ લારીગલ્લા રખાશે તો કાર્યવાહી કરવાની ચેતવણી
આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરનાર, ટ્રાફિકને અડચણરૂપ થનાર લારી-ગલ્લાવાળા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૪૮ એકમો પાસેથી રૂ. ૨.૪૦ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી અતંર્ગત મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા વિદ્યાનગર વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરતા ૪૮ એકમો સામે દંડનીય કાર્યવાહી કરતા વહીવટી ચાર્જ પેટે રૂ. ૨,૪૦,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મનપા વિસ્તારમાં લોકોને અડચણરૂપ થાય તે રીતે, જાહેર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે તેમ લારીગલ્લાઓ ઊભા રાખવામાં આવશે તો કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે. જેથી મહાનગરપાલિકા વિસ્તારના લારી ગલ્લાવાળાઓ જાહેર રસ્તાઓ ઉપર લારી ગલ્લાઓ ન ઉભા રાખે તેમ પણ જણાવવામાં આવ્યું છે.


