મહેમદાવાદ રોડ પર એક્ટિવાની ટક્કરે રાહદારીનું સારવારમાં મોત

- તાલુકામાં રાહદારીના અકસ્માતના બે બનાવ
- સરસવણી ગોકુળપુરામાં બાઈકની અડફેટે ખેતરથી ચાલતી આવતી મહિલા ઈજાગ્રસ્ત
મહેમદાવાદ ઢાંકણીવાડમાં રહેતા ઝાકીર મીરસાબમિયાં મલેક મિત્રો સાથે તા.૨/૭/૨૫ની રાત્રે ચાલતા ફરીને ખાત્રજ ચોકડીથી પરત ઘર તરફ જતા હતા.
દરમિયાન મહાકાલી મંદિર નજીક પૂરઝડપે એકટીવાએ ટક્કર મારતા સમીરભાઈ મલેકને રોડ પર પડી જતા ગંભીર ઈજા થઈ હતી. જેથી સાથી મિત્રોએ સમીર અહેમદ મિયાં મલેક (ઉં.વ.૪૦)ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ઝાકીરમિયા મીરસાબ મિંયા મલેકની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના સરસવણી ગોકુળપુરામાં રહેતા ચંપાબેન કારાભાઈ ડાભી તા.૧/૭/૨૫ની સવારે ખેતરમાંથી ચાલતા આવતા હતા.
ત્યારે બાઈકે ટક્કર મારતા ચંપાબેન ડાભીને પડી જતા ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.








