નડિયાદના પ્રગતિનગરમાં ગાડીની ટક્કરે રાહદારીનું મોત
- ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ
- ગાડીનો ચાલક સિવિલમાં લઈ ગયો ત્યારે ડૉક્ટરે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો
નડિયાદ : નડિયાદ એસઆરપી કેમ્પ સામે પ્રગતિનગર જવાના વળાંક ઉપર રોડ ક્રોસ કરતા રાહદારીનું સ્કોપયો ગાડીએ ટક્કર મારતા ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ એસઆરપી કેમ્પ સામે પ્રગતિનગર સ્કૂલ સામે રહેતા રાજેશભાઈ ઈશ્વરભાઈ તળપદા આજે સવારે પ્રગતિનગરના વળાંક ઉપર રોડ ક્રોસ કરતા હતા. દરમિયાન પુર ઝડપે આવેલી સ્કોપયો ગાડીની અડફેટે આવી જતા રાજેશભાઈ તળપદાને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. સ્કોપયો ગાડીનો ચાલક રાજેશભાઈ તળપદાને તુરંત સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરે રાજેશભાઈ તળપદાને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે રસિકભાઈ મોતીભાઈ તળપદાની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે ગાડીના ચાલક ભરતભાઈ વશરામભાઈ ભરવાડ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.