જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર 'હીટ એન્ડ રન' ના બનાવમાં ટ્રક હેઠળ રાહદારી કચડાયા : કરુણ મૃત્યુ

Jamnagar Accident : જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર મોરકંડા ગામના પાટીયા પાસે વધુ એક હિટ એન્ડ રન બનાવ બન્યો હતો, અને રસ્તો ક્રોસ કરી રહેલા એક રાહદારીનું ટ્રક હેઠળ ચગદાઈ જતાં કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના જૂના મોખાણા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ કંબોયા (52 વર્ષ), કે જેઓ ગત 26મી તારીખે રાત્રિના સમયે જામનગર-રાજકોટ બાયપાસ રોડ પર મોરકંડા ગામના પાટીયા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 03 ઝેડ.ઝડ.8903 નંબરના ટ્રકના ચાલકે તેઓને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, આથી તેઓનું ગંભીર ઈજા થવાના કારણે કરૂણ મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર રવિ રમેશભાઈ કંબોયાએ પોલીસને જાણ કરતાં એ.એસ.આઈ. ડી.જી. ઝાલા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જયારે ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

