Get The App

ગુજરાતમાં હવે PCV વેક્સિનેશન, ખર્ચાળ રસી વિનામૂલ્યે અપાશે

- ન્યૂમોનિયા સામે રક્ષણ આપતા ત્રણ ડોઝ રૂ. 7,500 થી 12,000ની હોવાથી

- (ન્યુમોકોક્કલ કોન્જયુગેટ વેક્સિન - PCV) રસી મૂકાવવાનું પ્રમાણ માંડ 30 ટકા

Updated: Sep 10th, 2021

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં હવે PCV વેક્સિનેશન, ખર્ચાળ રસી વિનામૂલ્યે અપાશે 1 - image


રાજકોટ, : બાળકો માટેની કોરોના વેક્સિન હજુ નથી આવી અને હાલ કફ-કોલ્ડ-ફીવરના વધતા જતા કેસો વચ્ચે બાળકોને ઇન્ફલુએન્ઝા વેક્સિન અપાવવાનું પ્રમાણ વધારી દેવું પડયું છે એવામાં હવે ગુજરાતમાં બાળકોને ન્યૂમોનિયાથી બચાવતી અતિ ખર્ચાળ ન્યુમોકોક્કલ કોન્જયુગેટ વેક્સિન (પીસીવી) પણ સરકારી રાહે આપવાનું શરૂ થવા જઇ રહ્યું છે.

ડિસેમ્બર ૨૦૨૦માં આ સ્વદેશી રસી લોન્ચ કરાયા બાદ ઉત્તરપ્રદેશ, હિમાચલ સહિત સાતે'ક રાજ્યોમાં ટ્રાયલ ફેઝ શરૂ કરાયો હતો અને હવે ગુજરાતનો ક્રમ આવતો હોવાથી સંભવતઃ આગામી મહિનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જેવા સરકારી સ્થળે પીસીવી અપાતી થઇ જશે એમ વિશ્વસ્ત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લામાં આ માટે સરકારી મેડિકલ ઓફિસરોની  ટ્રેનિંગ છેલ્લા સપ્તાહમાં પૂરી થઇ છે, જયારે આરોગ્ય કર્મચારીઓને હવે તાલીમબધ્ધ કરાશે. ખાસ તો, વાલીઓ પોતાના બાળકોને આ રસી મૂકાવતા ખચકાય નહીં અને રસી મૂકાવડાવ્યા બાદ શું-શું ધ્યાન રાખવું  એ વિશે વાલીઓને માહિતગાર કરવા આરોગ્ય કર્મચારીઓને સમજ અપાશે. એકાદ સપ્તાહમાં સરકાર સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા બનાવાતી આ રસી મોકલવા લાગશે.

તબીબોએ કહ્યું કે પીસીવી એ કોઈ નવી રસી નથી અને વર્ષોથી અપાય જ છે પરંતુ પ્રાયવેટમાં તેના એક ડોઝની કિંમત રૂ. અઢી હજારથી ચાર હજાર જેવી હોય છે તેથી આ રસી દર સોમાંથી માંડ પચ્ચીસ-ત્રીસ બાળકોને જ મૂકાવાતી હોય છે. બાળકને દોઢ માસ, સાડા ત્રણ માસની વયે એક-એક ડોઝ તેમજ અને નવ માસે બૂસ્ટર ડોઝ આપવાનો હોય છે. આમ, બૂસ્ટર સહિતના ત્રણ ડોઝ રૂ. ૭.૫ હજારથી ૧૨ હજારમાં પડી શકે છે !

આગામી દિવસોમાં પીસીવી નિઃશુલ્ક અપાતી થઇ જાય પછી તેનું પ્રમાણ સારૂ એવું વધવાની તંત્રને આશા છે. તબીબો ઉમેરે છે કે તેનાથી ભરણી સામે રક્ષણ મળતું હોવાથી ન્યૂમોનિયાથી બાળકોના હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુનું પ્રમાણ પણ ઘટાડી શકાશે.

Tags :