અમદાવાદ,ગુરૂવાર
દારૂની હેરફેર કરવા માટે હવે બુટલેગરો ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધાર્યો છે. શહેરના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને પતરાના ચાર પીપડામાંથી રૂપિયા ૧૦ લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પ્રેમ દરવાજા બહાર આવેલા લાલજી મુલજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં સ્થાનિક બુટલેગરે કેમીકલની આડમાં ચાર પીપડામાં દારૂનો જથ્થો છુપાવીને મોકલ્યો હોવાની માહિતી પીસીબીના અધિકારીઓને મળી હતી. જેના આધારે ગુરૂવારે દરોડો પાડીને તપાસ કરતા શંકાસ્પદ જણાતા ચાર પીપડામાંથી રૂપિયા ૧૦ લાખની કિંમતનો વિવિધ બ્રાંડનો વિદેશી દારૂની ૨૫૦૦થી વધારે બોટલ મળી આવી હતી. જેમાં કેટલીક જથ્થો બ્રાંડેડ દારૂનો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્થાનિક બુટલેગરે કૃષ્ણા હાર્ડવેરના નામે અશ્વિન વેગડા નામના અમરાઇવાડીમાં રહેતા વ્યક્તિને પીપડાનો જથ્થો મોકલવા માટે પાર્સલ કરાવ્યુ હતું. આ અંગે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં કેટલીક મહત્વની કડી મળી છે.


