નારણપુરા ઝેવીયર્સ પાસેથી વિદેશી દારૂના જથ્થા બે સપ્લાયર ઝડપાયા
દારૂ સપ્લાયની નવી મોડ્સ ઓપરેન્ડી
રાજસ્થાનથી દારૂ લાવીને દારૂનો જથ્થો નાની કારમાં વિવિધ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતો હતો
અમદાવાદ,ગુરૂવાર
રાજસ્થાનથી મોટા પ્રમાણમાં ટ્રકમાં દારૂ લાવવાને બદલે બુટલેગરોએ હવે દારૂ
સપ્લાય કરવા માટે નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં એસયુવી કારમાં ૫૦૦ થી ૭૦૦
બોટલ જેટલો વિદેશી દારૂ લાવીને શહેરમાંથી તે દારૂ અન્ય કારનો ઉપયોગ કરીને વિવિધ
વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે. પીસીબીએ નારણપુરા ઝેવીયર્સ સ્કૂલ પાસે એક
એસયુવી કાર અને અન્ય કાર સાથે બે બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા.
પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે એક સફેદ રંગની ક્રેટા કારમાં દારૂનો જથ્થો
ેછે અને તેને નારણપુરા ઝેવીયર્સ સ્કૂલ પાસે લાવીને અન્ય કારમાં લઇ જવામાં આવી
રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા બે શખ્સો એક ક્રેટા કાર
અને અન્ય એક કાર મળી આવી હતી.પોલીસે તપાસ કરતા ક્રેટા કારમાંથી વિદેશી દારૂની ૨૫૦
જેટલી બોટલો મળી આવી હતી.આ અંગે પુરારામ
ચૌધરી અને ઓમ પ્રકાશ ચૌધરી (બંને રહે.તક્ષશીલા હેબીટેટ, રીંગ રોડ, ઓઢવ)ને ઝડપી લીધા હતા.
આ અંગે પીસીબીના પીઆઇ જે પી જાડેજાએ જણાવ્યું કે રાજસ્થાનથી વિદેશી દારૂ
લાવવાની નવી મોડ્સ ઓપરેન્ડી બુટલેગરોએ શરૂ કરી છે. જેમાં ક્રેટા કે અન્ય એસયુવી
કારમાં પ્રિમિયમ કેટેગરીનો વિદેશી દારૂ અમદાવાદમાં લાવવામાં આવે છે. ત્યારબાદ
બુટલેગરો અન્ય કારમાં દારૂનો છુટક છુટક જથ્થો સપ્લાય કરે છે. પોલીસથી બચવા માટે
બંને કારમાં બનાવટી નંબર પ્લેટ રાખવામાં આવે છે અને સપ્લાય માટેનો દારૂનો ચોક્કસ
જથ્થો અલગ કર્યા બાદ એસયુવી કારને અન્ય લોકેશન પર લઇ જવામાં આવે છે. આમ, રાજસ્થાનથી દારૂ લાવીને અમદાવાદમાં
અન્ય કારનો ઉપયોગ કરીને સપ્લાય કરવામાં આવે છે. ઝડપાયેલા બુટલેગરો નિયમિત રીતે
રાજસ્થાનથી દારૂ લાવીને ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી સપ્લાય કરતા હતા. પોલીસને આરોપીઓ પાસેથી કારની બનાવટી નંબર પ્લેટ
પણ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા
દિવસ પહેલા આ મોડ્સ ઓપરેન્ડીથી દારૂ લાવી રહેલા બુટલેગરે પોલીસે પીછો કરતા અકસ્માત
કરીને અનેક વાહનોમાં ભારે નુકશાન પહોંચાડયું હતુ.