નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું
પાર્સલ ઉદેપુરથી આણંદ પહોંચતુ કરવાનું હતુ
રાજસ્થાનથી અલગ અલગ શહેરોમાં નિયમિત રીતે કુરીયરમાં દારૂનો જથ્થો પહોંચતો કરવામાં આવતો હતો
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદમાં દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો હવે કુરીયરમાં પાર્સલ દ્વારા મોટા પ્રમાણમાં હેરફેર કરવામાં આવે છે. શહેરના નવરંગપુરા મીઠાખળીમાં આવેલી એક કુરીયર કંપનીમાં પીસીબીએ દરોડો પાડીને ૬૦૦ બોટલ વિદેશી દારૂ ભરેલા ચાર પાર્સલ જપ્ત કર્યા હતા.જે ઉદેપુરથી આણંદ મોકલવાનુું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
નવરંગપુરા મીઠાખળી સરદાર પટેલ સેવા સમાજની સામે આવેલા આર્શીવાદ કોમ્પ્લેક્સમાં આવેલા ટેક્રોન કુરીયરમાં રાજસ્થાનથી દારૂ ભરેલા પાર્સલ લાવીને ગુજરાતના વિવિધ શહેરોમાં પહોંચતા કરવામાં આવતા હોવાની બાતમી પીસીબીના પીઆઇ જે પી જાડેજાને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા ઉદેપુરથી આવેલા ચાર અલગ અલગ પાર્સલમાં તપાસ કરતા તેમાંથી કુલ ૬૦૦ બોટલ વિદેશી દારૂ અન બિયરનો રૂપિયા ૧.૬૦ લાખનો જથ્થો મળી આવ્યો હતો. જે આણંદના બોરીયામાં રહેતા વિજય માલી નામના વ્યક્તિને પહોંચતા કરવાના હતા. વધુ તપાસ કરતા પોલીસને વિગતો મળી હતી કે ઉદેપુરથી અગાઉ પણ પાર્સલ અન્ય જિલ્લાઓમાં પણ મોકલવામાં આવ્યા હતા. જે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.