PCBએ ફિલ્મી ઢબે પીછો કરી આરટીઓ પાસે દારૂ ભરેલી ઝડપી
દારૂ ભરેલી કારનો પીછો કરતા અકસ્માત સમયે સાત વાહનોમાં નુકશાન
રાજસ્થાનના સાંચોરથી ઇનોવા કારમાં દારૂ ભરીને ખેપિયા અમદાવાદ આવતા હતાઃ શહેરના વિવિધ વિસ્તારોમાં બુટલેગરને દારૂ સપ્લાય કરવાનો હતો
અમદાવાદ,સોમવાર
રાજસ્થાનના સાંચોરથી દારૂનો જથ્થો લઇ આવી રહેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ગુના નિવારણ શાખાના સ્ટાફે નવ લાખની કિંમતની ત્રણ હજાર જેટલી બોટલો સાથે બે ખેપિયાઓને ઝડપી લીધા હતા. પોલીસે શંકાસ્પદ કારનો ચાંદખેડાથી પીછો કર્યો હતો. આ દરમિયાન આરટીઓ સર્કલ નજીક ચીમનભાઇ બ્રીજ પાસે બુટલેગરની કારના ચાલકે અકસ્માત સર્જતા એક રીક્ષા સહિત સાત વાહનોમાં નુકશાન થયું હતું. પોલીસને કારમાંથી ત્રણ નકલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. દારૂનો જથ્થો અમદાવાદ વિવિધ વિસ્તારોમાં પહોંચતો કરવાનો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ખોખરામાં રહેતો એક બુટલેગર રાજસ્થાનથી ઇનોવા કારમાં દારૂનો જથ્થો લઇને ઝુંડાલ થઇને આરટીઓ સર્કલ તરફ આવવાની ચોક્કસ બાતમી પીસીબીના સ્ટાફને મળી હતી. જેના આધારે રવિવારે રાતના સમયે આરટીઓ સર્કલ પાસે ચીમનભાઇ પટેલ બ્રીજ પર તેમજ ચાંદખેડા સુધીના રસ્તા પર અલગ અલગ ટીમ ગોઠવીને વોચ ગોઠવવામાં આવી હતી. આ સમયે ચાંદખેડાથી આવી રહેલી એક શંકાસ્પદ ઇનોવાકારના ચાલકને રોકવા માટે સુચના આપી હતી. પરંતુ, તેણે કારના પુરઝડપે ચલાવી હતી. જેથી તેનો પીછો કરતા ચીમનભાઇ પટેલ બ્રીજ પર અન્ય વાહનની આડશ મુકીને રોકવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ, ઇનોવાકારના ચાલકે કારની સ્પીડ વધારતા અકસ્માત થયો હતો. જેમાં આરટીઓ સર્કલ તરફ આવી રહેલી એક ઓટો રીક્ષા અને છ કારનો નુકશાન થયુ હતું. જેમાં કેટલાંક વાહનચાલકોને ઇજા પહોંચી હતી.
બીજી તરફ અકસ્માત બાદ કારમાંથી નાસવાનો પ્રયાસ કરનાર અશોક રબારી ( ઝાલોર, રાજસ્થાન) અને આશીષ કોરી ( પ્રવિણ માસ્તરની ચાલી, હરીપુુરા ખોખરા)ને ઝડપી લીધા હતા. કારમા તપાસ કરતા રૂપિયા નવ લાખની કિંમતનો ત્રણ હજાર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.આ અંગે પીસીબીના પીઆઇ જે પી જાડેજાએ જણાવ્યું કે અશોક રબારી અને આશીષ કોરી છેલ્લાં પાંચ વર્ષથી વિદેશી દારૂની ખેપ મારતા હતા અને પોલીસથી બચવા માટે ત્રણ બનાવટી નંબર પ્લેટ પણ રાખી હતી. આ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોરથી ભરીને દાણીલીમડામાં રાજુ કાઠીયાવાડી, ઠક્કરનગરમાં મીત દેસાઇ, હાટકેશ્વરમાં વરૂણ અને સુજલ તેમજ બહેરામપુરામાં વિજય પરમારને સપ્લાય કરવાના હતા. આ અંગે રાણીપ પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.