કારમાં વિદેશી દારૂની ડીલેવરી કરવા નીકળેલો બુટલેગરને ઝડપી લેવાયો
ક્રાઇમબ્રાંચે નવરંગપુરામાં દરોડો પાડયો
રાજસ્થાનથી સાબરમતી રેલવે સ્ટેશન પર દારૂ મંગાવવાના નેટવર્કમાં દેવરાજ અને નિતેશના નામ પણ સામે આવતા પોલીસ શંકાના ઘેરાવામાં આવી
અમદાવાદ,બુધવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને પીસીબીએ શહેરના નવરંગપુરા અને સાબરમતી રેલવે સ્ટેશનના પાકિગમા મુકેલી રીક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. નવરંગપુરા પાસે દારૂ ભરેલી કાર સાથે ઝડપાયેલા બુટલેગરની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનથી દારૂ લાવીને ગોમતીપુર અને માધુપુરામાં બુટલેગરને દારૂનો જથ્થો સપ્લાય કરી વાડજના એક બુટલેગરને દારૂ આપવા જતો હતો. ત્યારે પોલીસના હાથે તે ઝડપાઇ ગયો હતો.જ્યારે સાબરમતી રેલવે સ્ટેશનમાં રાજસ્થાનથી પેસેન્જરના નામે આવતા કેરીયરની મદદથી દારૂ મંગાવવામાં આવતો હોવાનું સામે આવ્યુ છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચના પીઆઇ વી બી આલને બાતમી મળી હતી કે દિલ્હી દરવાજા પાસે રહેતો અલતાફહુસૈન શેખ તેની કારમાં દારૂનો જથ્થો લઇને જુના વાડજ સોહરાબજી કંપાઉન્ડમાં રહેતા રાજેશ લોહીયા નામના બુટલેગરને દારૂનો જથ્થો સપ્લાય કરવા માટે નવરંગપુરા મુસ્લિમ સોસાયટી પાસે ઉભો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને અલતાફહુસૈન અને રાજેશ લોહીયાને ઝડપી લીધા હતા. કારમાં તપાસ કરતા ૧૭ બોક્સ વિદેશી દારૂ અને ચાર બોક્સ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે અલતાફ હુસૈન રાજસ્થાનથી દારૂ લાવ્યો હતો અને ગોમતીપુરમાં જયદીપ ને સાત પેટી દારૂ આપ્યા બાદ માધુપુરામાં પપ્પુ ભીલને દારૂની આઠ પેટી આપીને રાજેશને સપ્લાય કરવા આવ્યા હતો. આ અંગે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.
અન્ય બનાવમાં પીસીબીના પીઆઇ જે પી જાડેજાને બાતમી મળી હતી કે સાબરમતી લક્ષ્મીનગરમાં રહેતો કાળુ દેસાઇ અને પ્રકાશ ઓડ (મેઘાણીનગર, અમદાવાદ) રાજસ્થાનથી અમદાવાદ પેેસેન્જર લગેજમાં દારૂની બોટલો મંગાવીને રીક્ષામાં બારોબાર બુટલેગરોને મોકલે છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ચાર લગેજ સાથે આવેલા ત્રણ શખ્સો અને કાળુ દેસાઇ તેમજ પ્રકાશને ઝડપી લીધા હતા. પોલીસે લગેજ તપાસતા બેગમાં કપડાની અંદર છુપાવેલી દારૂની ૨૨૮ બોટલો મળી આવી હતી. આ દારૂનો આ જથ્થો ઓમરામ જાટ, સતારામ જાટ અને દેદારામ જાટ નામના વ્યક્તિ રાજસ્થાનથી લાવ્યા હતા. તેમને આ માટે કાળુ દેસાઇ અને પ્રકાશ ઓડ કમિશન આપતા હતા. કાળુ દેસાઇ અને તેના સાગરિતે આ મોડસ ઓપરેન્ડીથી અગાઉ પણ અનેકવાર દારૂ મંગાવ્યો હતો. જેમાં સાબરમતી રેલવે પોલીસના દેવરાજ અને નિતેશની સંડોલણી પણ બહાર આવી હોવાનું આરોપીઓની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કારણ કે બેગમાં દારૂનો જથ્થો લાવનાર વ્યક્તિઓને નહી ચકાસવા માટે અને દારૂનો જથ્થો રેલવે સ્ટેશનથી બહાર પહોંચતો કરવા માટે તેમના દ્વારા ખાસ સુચના આપવામાં આવતી હતી.ત્યારે આ મામલે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.