પવન રાજસ્થાની ઢાબામાંથી પોષડોડવા સાથે એક ઝડપાયો
- લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે
- એસઓજી પોલીસે દરોડો પાડી 14 કિલો પોષડોડવા જપ્ત કરી 2 શખ્સ સામે ગુનો નોંધ્યો
લીંબડી : લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટીયા પાસે આવેલ પવન રાજસ્થાની ઢાબા હોટલ માંથી સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ૧૪ કિલો પોષડોડવા ના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી પોલીસે ૪૮ હજાર નો મુદામાલ કબ્જે કરી બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
લીંબડી શહેરમાં રહેતો બલવીર રતનસિંહ રાવત લીંબડી-અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે આવેલી પવન રાજસ્થાની ઢાબા હોટલમાં પોતાના કબજામાં પોષડોડવાનો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડીને જુદીજુદી પ્લાસ્ટિકની થેલી માંથી ૧૪ કિલો અને ૫૯૫ ગ્રામ પોષડોડવા (કિ.રૂ. ૪૩,૭૮૫), એક મોબાઈલ ફોન (કિં.રૂ. ૫,૦૦૦) મળીને કુલ રૂપિયા ૪૮,૭૮૫નો મુદામાલ કબજે કર્યો હતો.
જ્યારે રેડ દરમિયાન પોલીસે બલવીર રાવત ની વધુ પુછપરછ પુછપરછ કરી હતી કે તે પોષડોડવા નો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છે. તે બાબતે પુછતાં તેણે જણાવ્યું હતું કે તે પોષડોડવા નો જથ્થો ૨૦થી ૨૫ દિવસ પહેલાં ફતેહસિંહ ખેમરાજ (રહે. દીયા કા ડેરા, પડેરીયા શામગઢ મંદોસર મધ્ય પ્રદેશ) વાળો આપી ગયો હતો. જેથી પોલીસે બલવીર રાવત તથા ફતેહસિંહ ખેમરાજ બંને શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.