Gujarat

પાટણા-લુણધરા રોડને ભારે વરસાદમાં નુકસાન, અનેક જગ્યાએ ખાડા પડયાં

By GS TEAM
21 Jun 20252 mins read
પાટણા-લુણધરા રોડને ભારે વરસાદમાં નુકસાન, અનેક જગ્યાએ ખાડા પડયાં

- તાજેતરમાં જ રસ્તો રી-કાર્પેટ કરવામાં આવ્યો હતો

- માટી પુરવા અને કટને રિપેર કરવા માંગ, ડાઈવર્ઝનમાં પાણી ભરાવાથી રોડ બંધ થાય તેવી સ્થિતિ

ભાવનગર : વલ્લભીપુર તાલુકાના પાટણા ગામથી લુણધરા વચ્ચેના રોડને તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે નુકશાની થઈ છે. રસ્તા પર અનેક સ્થળોએ ખાડા પડી જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાટણીથી લુણધરા જતા રસ્તાને તાજેતરમાં જ રી-કાર્પેટ કરવામાં આવ્યો હતો. પરંતુ ગત સોમવાર તેમજ મંગળવારના રોજ ધોધમાર વરસેલા વરસાદના કારણે આ રસ્તા ઉપર એક કિ.મી. જેટલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ધારી ઉપરની માટીમાં ધોવાણ થયું હતું. આ ઉપરાંત રસ્તામાં અનેક જગ્યાએ ખાળ અને ખાડા પડી ગયા છે. આ રસ્તા પર પાંડવકાલિન પાર્થેશ્વર મહાદેવનું પ્રસિધ્ધ મંદિર આવેલું હોવાથી વાહનોની સતત અવર-જવર રહે છે. ત્યારે ભારે વરસાદમાં રસ્તાને જે નુકશાન થયું છે, તેના પર તાત્કાલિક માટી પુરી રોડની કટનું રિપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગણી સાથે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને પાટણાના કાર્યકરે રજૂઆત કરી છે. વધુમાં રી-કાર્પેટની કામગીરી દરમિયાન એક તૂટેલું નાળું બનાવવાનું કામ બંધ કરાયું હતું. ચોમાસાની સિઝન આવવા છતાં નાળાનું કામ પૂર્ણ ન કરવામાં આવતા ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જવાના કારણે રોડ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે. જેથી આ નાળાનું કામ પણ વહેલીતકે પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.