ઓપરેશન ચંડોળા રફે દફે કરી પાટીલ-સંઘવી મોદીની પ્રતિષ્ઠા ખરડી રહ્યાં છે
Operation Chandola Lake: છેલ્લાં ઘણા વખતથી ગુજરાતમાં ગુનાખોરી બેકાબુ બની છે. બુટલેગરોથી માંડી ભૂમાફિયા જ નહીં, ભ્રષ્ટ ખાખી વર્દીને મોકળું મેદાન મળ્યુ છે. ગુજરાત ડ્રગ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બન્યું છે. તો ઘૂસણખોરોને પણ ગુજરાતમાં બિન્દાસપણે આશરો મળી રહ્યો છે. છડેચોક ખંડણી ઉઘરાવતાં વેપારી વર્ગ ભયના માહોલમાં છે. અપહરણ, છેડતી, બળાત્કારના કિસ્સા વધતાં મહિલાઓ અસલામતી અનુભવી રહી છે.
સમગ્ર પરિસ્થિતિને જોઇએ તો ગુજરાતમાં કાયદા વ્યવસ્થાના જાણે લીરેલીરાં ઉડ્યાં છે. નિષ્ફળ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સી.આર.પાટીલની જોડીએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા ધૂળધાણી કરી છે કેમ કે, એક સમયે વહીવટી તંત્ર પર પક્કડ હોવાના કારણે ગુજરાતીઓએ મોદીના શાસનમાં સુશાસન રાજનો અનુભવ કર્યો હતો. પણ ગુજરાતીઓ જાણે માફિયારાજનો અહેસાસ કરી રહ્યાં છે.
નરેન્દ્ર મોદીની ગુજરાતના વહીવટી તંત્ર પર ભારે પક્કડ હતી. એટલી હદે કે, ભ્રષ્ટ અધિકારીઓને કોઈ સ્થાન જ ન હતું. ખાસ કરીને કાયદા વ્યવસ્થા પર તો એવો કાબુ હતોકે, ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી પડ્યા હતાં. ગુનાખોરીનો ગ્રાફ નીચે ઉતર્યો હતો. ગુજરાતીઓ શાંત-સલામત ગુજરાતની અહેસાસ કરી રહ્યાં હતાં. પણ તેમની દિલ્હી વિદાય પછી ગુજરાત જાણે રેઢુ મૂકાયું છે.
ભ્રષ્ટ અધિકારીઓએ વહીવટી તંત્ર પર કબજો જમાવી દીધો છે. ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતી ધીરે ધીરે કથળી રહી છે. જે ગુજરાત મોડેલનું નરેન્દ્ર મોદીએ કર્યું હતું તે મોડેલ આજે હાંસીનું પાત્ર બની રહ્યું છે. તેના માટે ભાજપના વર્તમાન શાસકો જવાબદાર છે.
ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનું એપી સેન્ટર બની રહ્યું છે. આબાંગ્લાદેશીઓ અલ કાયદાના સ્લિપર સેલની સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. આ વિસ્તારમાં ડ્રગ્સનો મોટો કારોબાર થઇ રહ્યો છે. વેશ્યાવૃતિથી માંડીને માનવ તસ્કરી પણ આ વિસ્તારમાં ધમધમી રહી હતી તેવો ગુજરાત પોલીસે ખુલાસો કર્યો છે. એટલું જ નહી, આ વિસ્તારમાં મેગા ડિમોલેશન કરીને મ્યુનિ.કોર્પોરેશન અને સરકારે વાહવાહી મેળવી છે.
ચંડોળામાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવા ગાંધીનગરથી અપાયેલી સૂચનાઓ વિરુધ્ધ આદેશ આપી પાટીલ અને હર્ષ સંઘવી જ સરકારી તંત્રને કામ કરવા દેતા નથી. અત્યારે તો કમલમમાં જીવ અને ધાર્યું કરાવો. અત્યારે બધા જાણે છે એમ, સરકાર ગાંધીનગરથી નહી, કમલમથી ચાલી રહી છે. રાજ્યપાલ ભવન કે મુખ્યમંત્રી કાર્યાલયથી માંથી ભલે અધિકારીઓ સૂચના આપે તો પણ કોઈ કામ થતા નથી. સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીનો જ આદેશ થાયતો કામ આગળ વધે. મંત્રીઓનું પણ કોઈ સાંભળતુ નથી.
સી.આર.પાટીલ અને સંઘવીની મદદથી ધાર્યું કામ કરાય છે. ભૂમાફિયા-બુટલેગરો અને ગુનેગારોએ કમલમ પર કબજો મેળવી લીધો છે. ચૂંટણી ફંડ આપી ધાર્યા કામો કરાવે છે. એટલે જ ચંડોળા તળાવમાં પણ ગેરકાયેદસર બાંધકામો કરનારાં ભૂમાફિયાઓ સાથે પણ ગોઠવણ પાડવામાં આવી છે. હજુ ઘણું દબાણ દૂર કરવાનુ બાકી છે ત્યાં રુક જાઓનો આદેશ આપી દેવાયો છે. જે ઘણું બધુ સૂચવી જાય છે. ટૂંકમાં, ગૃહમંત્રી હર્ષ સંધવી-પાટીલની જોડી સરકારને બદનામી વ્હોરવી પડે તેવા રાજકીય અખતરાં કરી રહ્યાં છે.