Gujarat

હોમ આઇસોલેશનનો સમયગાળો પુર્ણ નહી કરનારા દર્દીઓ સામે પોલીસ ફરિયાદ થશે

By GS Team
25 Jul 20202 mins read
This article was originally published on 25 Jul 2020
હોમ આઇસોલેશનનો સમયગાળો પુર્ણ નહી કરનારા દર્દીઓ સામે પોલીસ ફરિયાદ થશે

 સુરત,તા.25 જુલાઇ, 2020, શનિવાર

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યુ છે. તેને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યુ છે ત્યારે જે પોઝીટીવ દર્દી છે અને ઘરે જ સારવાર લઇ રહ્યા છે  તેવા દર્દીઓ કયાં તો હોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કરતા નથી કે પછી વહેલા બહાર નિકળતા થઇ જાય છે. આવા દર્દીઓના કારણે સંક્રમણ વધવાની શકયતાઓ હોવાથી પાલિકા દ્વારા જો પોઝીટીવ દર્દી ઘરની બહાર પ્રયાસ કરશે તો આવા દર્દીઓ વિરુદ્વ પોલીસ ફરિયાદ દાખલ કરવાના કમિશ્નરે આદેશ કર્યો છે.

સુરત શહેરમાં કોરોનાના વિસ્ફોટ થતા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે, આવા સમયે હોસ્પિટલોમાં જગ્યા નહીં હોવાથી પાલિકા દ્વારા જે કોરોના પોઝીટીવ દર્દીઓ હોઇ અને ઓછા લક્ષણો હોઇ તો ઘરે જ હોમ આઇસોલેટ કરીને સારવાર અપાઇ રહી છે. સાથે જ સોસાયટીના પ્રમુખોને પણ જવાબદારી સોંપાઇ છે. આવા દર્દીઓની હોમ આઇસોલેટ કરાયા પછી ઘણા દર્દીઓ જલ્દી બહાર નિકળી જાય છે. કે પછી પોઝીટીવ હોઇ તો પણ ઘરની બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ છે. તેથી આજે સુરત મહાનગર પાલિકા કમિશ્નરે આદેશ કર્યો છે કે, કોઇ પણ વ્યકિત પોઝીટીવ હોવા છતા ઘરની બહાર નિકળવાનો પ્રયાસ કરશે તો તેના વિરુદ્વ પોલીસ ફરિયાદ નોંધીને કાયદાકીય કાર્યવાહી કરાશે.

આ સાથે જ જેમનો 14 દિવસનો આઇસોલેશનો સમયગાળો પૂર્ણ થયો છે તે બહાર નિકળી શકશે. કમિશ્નરના જણાવ્યા મુજબ આજે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ પૈકી ઘણાને વહેલા ડિસ્ચાર્જ અપાય છે. આવા દર્દીઓનો 14 દિવસનો સમયગાળો પૂર્ણ થયેલો નહીં હોવાથી તેઓ ભલે કોરોનાથી સાજા થઇ ગયા હોય, પરંતુ 14 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવુ ફરજિયાત છે. આ ઉપરાંત કોરોનાના લક્ષણો શરદી, ખાંસી ઉધરસ, તાવ, અશકિતમાથામાં દુઃખાવો હોય તો ડોકટરનો સંપર્ક કરવો. જરુરીયાત હોય તે લોકોનો ટેસ્ટ કરી તત્કાળ સારવાર શરૃ કરાશે.