જામનગરની જી.જી.હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે દર્દીઓના છ-છ કલાકના વલખાં : તંત્રની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલો
Jamnagar G G Hospital : જામનગર શહેરની સરકારી ગુરુ ગોબિંદસિંઘજી હોસ્પિટલ (જી.જી.હોસ્પિટલ)નો સોનોગ્રાફી વિભાગ દર્દીઓ માટે ભારે હાલાકીનું કેન્દ્ર બન્યો છે, જ્યાં દરરોજ નિયમિતપણે 200થી વધુ દર્દીઓની લાંબી કતારો લાગે છે. સવારના 9 વાગ્યાથી લાઈનમાં બેઠેલા આ દર્દીઓને પોતાનો વારો આવતા સાંજ પડી જાય છે, અને લગભગ છ કલાકથી વધુનો સમય પીડાદાયક રીતે લાકડાના બાંકડા પર વિતાવવો પડે છે. સોનોગ્રાફી વિભાગની લોબીમાં દર્દીઓની આ અતિશય મુશ્કેલી અને પીડા જાણે બહેરા તંત્રને દેખાતી જ નથી.
દર્દીઓનું કહેવું છે કે, છ-છ કલાક સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી સ્વસ્થ માણસ પણ બીમાર પડી જાય, તો દર્દીઓની શી હાલત થતી હશે. આ ગંભીર સમસ્યા અંગે મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈનો સંપર્ક કરવામાં આવતા તેમણે સ્વીકાર્યું હતું કે, આ સમસ્યા તેમના ધ્યાનમાં છે અને સરકાર પાસે વધુ સોનોગ્રાફી મશીનની માંગણી કરવામાં આવી છે, તેમજ દાતાઓ પાસેથી પણ મેળવવાના પ્રયાસો ચાલુ છે. અને ટૂંક સમયમાં નવા મશીનો આવી જવાની ખાતરી આપી હતી. ત્યાં સુધી લોકોએ આ પરીસ્થિતિનો સામનો કરવો પડશે, તેમ જાણવા મળી રહ્યું છે.