વડોદરાના ડેસરમાં વિચિત્ર કિસ્સો: ભૂત વળગ્યું હોવાનું કહીને દર્દીના સગાએ ડોક્ટર પર કર્યો હુમલો, દર્દીનું મોત
Vadodara News : વડોદરા જિલ્લામાં ડેસર તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં શુગર ઘટી જતા સારવાર માટે લવાયેલા દર્દીના સગાએ ભૂત વળગ્યું હોવાના વહેમ રાખી હોસ્પિટલમાં તોફાન કરી ડોક્ટર સહિત સ્ટાફને ધમકાવીને માર માર્યો હતો.
ડેસર પોલીસ મથકમાં પ્રશાંતકુમાર પ્રેમાનંદપ્રસાદ વર્માએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એક વર્ષથી સામુહિક આરોગ્ય કેન્દ્ર, ડેસર ખાતે ફરજ બજાવુ છું. 13 મેના રોજ હું તેમજ ફરજ પરના ડોક્ટર સંતોષબેન મુકેશભાઇ કોળી, સ્ટાફ બ્રધર્સ પારસકુમાર અરવિંદભાઇ પંડ્યા અને સફાઇ કર્મી શિલ્પાબેન પરમાર અને મમતાબેન પરમાર ફરજ પર હાજર હતા. આ દરમિયાન સવારે 5:15 કલાકે દર્દી રમેશભાઇ રતિલાલભાઇ રોહિત (રહે. શિહોરા, ડેસર) ને લાવવામાં આવ્યા હતા.
તેમનું શુગર ઓછું હોવાથી બોટલ ચઢાવવામાં આવી હતી. બાદમાં બ્લડ શુગર તપાસતા યોગ્ય જણાયુ ન હતું. સાંજ સુધીમાં તેઓ સ્વસ્થ થઇ ગયા હતા. દરમિયાન તેમના સગા જીતુભાઇ નારણભાઇ રોહિત દવાખાને આવ્યા હતા અને કહ્યું કે, તારા શરીરમાં ભૂત પેંસી ગયું છે. જે બાદ અંદરો-અંદર ઝઘડવા માંડ્યા હતા અને દર્દી રમેશભાઇની તબિયત બગડતા તેમને સી.પી.આર અને ઇન્જેક્શન આપવાનું ચાલુ કર્યું હતું.
આ દરમિયાન જીતુભાઇ રોહિતે સ્ટાફ બ્રધર્સ પારસકુમાર પંડ્યા, ડો. સંતોષબેન કોળી ઉપર હુમલો કરીને ઉપરા-છાપરી લાફા માર્યા હતા. બાદમાં ધમકી આપી કે 'જો આ દર્દીની સારવાર કરવાની નહીં, જો કરશો તો જાનથી મારી નાંખીશ'. એમ કહી તે ત્યાંથી જતા રહ્યા હતા અને સારવાર હેઠળના દર્દી રમેશભાઇ રોહિતનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના વાલી-વારસોને કાર્યવાહી કરવાનું જણાવતા તેમણે ટાળ્યું હતું. રજીસ્ટર્ડમાં નોંધ કરીને મૃતકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.