For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિવિલ હોસ્પિટલમાં કેસ પેપર બારીના સર્વરની સમસ્યાથી દર્દીઓ મુશ્કેલીમાં

Updated: Sep 23rd, 2022


- સર્વરની સમસ્યાના લીધે સિવિલમાં કેસ પેપર કાઢવાનો સમય સવારે અને સાંજે અડધો કલાક વધારવો પડયો

સુરત :

સુરત નવી સિવિલ હોસ્પિટલને ખાનગી હોસ્પિટલની જેવી સમકક્ષ હોવાની વાત સરકાર કરી રહી છે. તેવા સમયે છેલ્લા કેટલાક સમયથી સિવિલમાં કેસપેપર બારીના સર્વરની સમસ્યાનું આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. જેથી સમયસર કેસપેપર નહીં નીકળતા દર્દીઓને લાંબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી રહી છે. જેના લીધે સારવાર માટે આવતા દર્દીઓને હેરાન પરેશાન થઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં રોજના ૨૫૦૦થી વધુ દર્દીઓ વિવિધ પ્રકારની સારવાર માટે આવે છે. જોકે સારવાર પહેલા દર્દીઓએ મુખ્ય કેસબારી, સિનિયર સિટીઝન, હિમોફિલિયી, ગાયનેક અને કિડની બિલ્ડિંગમાં તથા ઇમરજન્સી વિભાગની બારી પર પેપર કાઢવાના હોય છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી સિવિલમાં કેસપેપર બારીના સર્વરની સમસ્યા ઊભી થઈ હતી.

સૂત્રોએ જણાવ્યુ કે સર્વર બરાબર ચાલતુ હોય ત્યારે  કેસપેપર માત્ર ૩૦ સેકન્ડમાં નીકળી જતા હતા, તે માટે હવે દોઢ - બે મિનિટ લાગે છે. જ્યારે દાખલ કેસપેપર માટે અગાઉ ફક્ત એક મિનિટ લાગતો હતો. તેની જગ્યાએ હવે ત્રણ મિનિટ તો ક્યારેક એ બહાર આવતા દસ મિનિટ પણ લાગે છે. જ્યારે આખરે કેસ બારીના કર્મચારીએ હાથેથી કેસ પેપર લખવો પડે છે. જેને કારણે સારવાર માટે આવતા દર્દીઓને કેસ પેપર કઢાવવા માટે માટે લાંબી કરતા લાગી જાય છે. જેના લીધે દર્દી તથા તેમના સંબંધીઓ હાલાકી વઠી રહ્યા છે. જયારે ગાંધીનગર ખાતે સર્વરનો મેન્ટનેન્સની કામગીરી કરતી કંપનીનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થયો હોવાથી સિવિલમાં સર્વરની સમસ્ય શરૃ થઇ હોવાનું સુત્રોમાં ચર્ચાઇ રહ્યુ છે.

નવી સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ કે સર્વર સમસ્યાના લીધે કેસ પેપર કાઢવાના સવાર અને સાંજના સમય અડધો કલાક વધારાયો છે. જેમાં સવારે ૧૨.૩૦ વાગ્ય સુધી અને સાંજે ૫.૩૦ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. જયારે સર્વર અંગે રાજ્યના આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવશે.

- સર્વરની સમસ્યાના લીધે દર્દીને સારવાર મોડી થાય છે

કેસપેપર કાઢવામાં જ મોડું થતું હોવાથી આગળ ઓપીડીમાં ડોક્ટરને બતાવવામાં પણ દર્દીને મોડું થાય છે. જેને લીધે આગળની તપાસ માટે એક્સરે , સોનોગ્રાફી કે બ્લડ સેમ્પલના રિપોર્ટ કરાવવા જરૃરી હોય તેવા સંજોગોમાં દર્દીને વધુ પરેશાનીનો સામનો કરવો પડે છે. ઘણી વખત કેસપેપર બારીના કર્મચારીઓ જાણી જોઈને કેસપેપર મોડા કાઢી રહ્યાં હોવાનું માની દર્દી કે સંબંધીઓની તેમની સાથે રકઝક પણ થાય છે. જેથી કેસપેપર બારીના સર્વરની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠી રહી છે.

Gujarat