ભાવનગરમાં આયુષ્યમાન કાર્ડ રીન્યુ નહીં થવાથી દર્દીઓને પડતી મૂશ્કેલી

- સારવાર માટેની એપ્રુવલ મળવામાં પણ વિલંબ થતો હોય છે
- કેન્સર, હાર્ટએટેક, ઈમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓને પરેશાની થતી હોવાથી નારાજગી
રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ દર્દીઓને કાર્ડ રીન્યુ નહીં થવાથી મૂશ્કેલીઓનો સામને કરવો પડે છે, જેના કારણે કેન્સરના ડાયાલિસિસના દર્દીઓ તેમજ હાર્ટ એટેક, ઇમર્જન્સી સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પરેશાની થતી હોય છે. માન્ય ખાનગી હોસ્પિટલ દ્વારા એપ્રુવલ માટે મુકવામાં આવે છે તેમાં ખુબ જ લાંબો સમય લાગે છે, જેના કારણે જરૂરીયાતમંદ લોકોને સમયસર સારવાર મળી શકતી નથી.
આયુષ્યમાન કાર્ડની યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાનગી હોસ્પિટલમાં સારી તેમજ મફત સારવાર મળી રહે તેવા શુભ આશયથી આ યોજના કાર્યરત છે ત્યારે વહીવટી તંત્રને કારણે જરૂરીયાતમંદ લોકોને સમયસર હોસ્પિટલમાંથી એપ્રુવલ નહીં આવવાને કારણે સારવારથી વંચિત રહે છે. આ બાબતે ભાજપના આગેવાન મોહન બોરીચાએ આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે અને તત્કાલ યોગ્ય પગલા લેવા માંગણી કરી છે. આયુષ્યમાન કાર્ડનાં પ્રશ્નથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા કયારે યોગ્ય પગલા લેવામાં આવશે ? તેની રાહ જોવી જ રહી.









