- મોટાભાગના સ્ટ્રેચર, ટ્રાઈસિકલ, વ્હિલચેર તુટેલી હાલતમાં
- આપ દ્વારા હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજૂઆત, પ્રશ્નોના નિરાકરણની હૈયાધારણ
શહેરની સર ટી.હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધા મુદ્દે ભાવનગર આમ આદમી પાર્ટીના નેતાઓ આજે હોસ્પિટલમાં રૂબરૂ પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં દર્દીને પુરતી સુવિધા મળે છે કે કેમ તેની માહિતી દર્દીઓ પાસેથી મેળવી હતી. હાલ શિયાળાની ઋતુમાં હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓશિકા, ચાદર અને બેડશીટ ઉપલબ્ધ નહી હોવાથી દર્દીઓને ઠંડીમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને દર્દીઓએ ઘરેથી ચાદર, ઓશિકા લાવવા પડે છે. ઉપરાંત હોસ્પિટલમાં મોટાભાગના સ્ટ્રેચર, ટ્રાઈસિકલ, વ્હિલચેર પણ તુટેલી સ્થિતિમાં હોવાનું જાણવા મળતા આ અસુવિધાના નિરાકરણ માટે તબીબી અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓના આ પ્રશ્નોના નિરાકરણના માટેની હૈયાધારણા આપવામાં આવી છે.


