Get The App

ખ્યાતિમાં સારવાર કરાવનારા દર્દીની વ્યથા: 'સંપૂર્ણ સ્વસ્થ હતો છતાં બ્લોકેજ છે એમ કહી સ્ટેન્ટ નાખી દીધું'

Updated: Nov 26th, 2024

GS TEAM


Google News
Google News
ખ્યાતિમાં સારવાર કરાવનારા દર્દીની વ્યથા: 'સંપૂર્ણ સ્વસ્થ હતો છતાં બ્લોકેજ છે એમ કહી સ્ટેન્ટ નાખી દીધું' 1 - image


Khyati Hospital Controvorsy : ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પને નામે કઇ રીતે દર્દીઓના શરીર સાથે ચેડાં કરવામાં આવતા હતા તેના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. હવે કડી તાલુકામાં યોજાયેલા ખ્યાતિ હોસ્પિટલના કેમ્પ બાદ કેટલીક સાજી વ્યક્તિના હૃદયમાં સ્ટેન્ટ નાખી દીધાનું સામે આવ્યું છે. 

બે વર્ષ અગાઉ કડીના ધમાસણા ગામમાં પણ કેમ્પને બહાને દર્દીઓ સાથે દગો કર્યો હતો

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલ દ્વારા નવેમ્બર 2022માં કડીના ધમાસણા ગામ ખાતે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પણ મોડસ ઓપરેન્ડી પ્રમાણે આયુષ્યમાન કાર્ડ ધારકોને અલગ તારવવામાં આવ્યા હતા અને તેમને ‘સ્વાસ્થ્યની વધુ ચકાસણી કરવી પડશે’ના બહાના હેઠળ ખ્યાતિ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. 

આ રીતે હોસ્પિટલમાં બોલાવ્યા હોય તેમાં સામેલ 67 વર્ષીય નટવર પટેલે જણાવ્યું કે, ‘આ કેમ્પમાં ગયો ત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ હતો. કોઇપણ પ્રકારનો દુઃખાવો તો દૂરની વાત છે હું સીડી ચઢતો, ઘણું ચાલતો છતાં શ્વાસ ચઢતો નહોતો. એન્જિયોગ્રાફી કર્યા બાદ મને એમ કહેવામાં આવ્યું કે તમારા હૃદયની નળીમાં બ્લોકેજ  છે અને તાકીદે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.  એક સ્ટેન્ટ નાખ્યા બાદ હવે મારું સ્વાસ્થ્ય પહેલા જેવું રહ્યું નથી અને નિયમિત દવા લેવા ઉપર આવી ગયો છું. ’ 

ખ્યાતિ હોસ્પિટલ, ડો. વજીરાણી પાસે સારવાર કરાવનારા હવે ફેરતપાસની દોડધામમાં

ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ડો. પ્રશાંત વજીરાણી પાસે ભૂતકાળમાં સારવાર કરાવનારા છેલ્લા બે સપ્તાહથી ભારે ટેન્શન-ઉચાટ અનુભવી રહ્યા છે. આ હોસ્પિટલમાં જેમણે થોડા સમય અગાઉ જ સારવાર કરાવી છે તેઓ પોતાની સારવારમાં કચાશ તો નહીં રહી ગઇ હોયને તેવા વિચાર સાથે ભારે ચિંતા અનુભવી રહ્યા છે. ખાસ કરીને તેમની પાસે હૃદયની સારવાર કરાવનારા હાલ ફેરતપાસની દોડધામમાં છે. તેઓ સિવિલની યુએન મહેતા હોસ્પિટલમાં ફેરતપાસ માટે હાલ આવી રહ્યા છે. 

Tags :