Aarti Sangani Love Marriage: હજુ તો કિંજલ દવેના આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈનો મામલો માંડ શાંત પડ્યો છે ત્યાં વધુ એક ગાયક કાલાકારે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લેતા વધુ એક વિવાદને હવા મળી છે. સુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પરિવારની નારાજગી અવગણીને તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે સાત ફેરા ફરી લીધા છે. જેના કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આરતીના આ નિર્ણયનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને સમર્થન આપી પડકાર સાથે નવું જીવન જીવવાની સલાહ આપી રહ્યા છે.
પરિવાર પહેલા કે પ્રેમ!
અહીં એક જ પ્રશ્ન છે કે પરિવાર પહેલા કે પ્રેમ! એક જમાનો હતો જ્યારે ઘરના વડીલ કહે તેમ દીકરીઓ ઢળી જતી, થનારા પતિનું મોઢું પણ ન જોયું હોય તો પણ સ્વીકારી લેતી, પણ હવે જમાનો આધુનિક થઈ ગયો છે. યુવક યુવતીઓ પ્રેમમાં પડે છે, ઘણી વાર પરિવારને જાણ પણ કરે છે પણ નારાજગી હોય તેમ છતાં પ્રેમને પામવા લગ્ન તો કરી જ લે છે. કહે છે જોયું જશે, હાલ યુવક-યુવતીઓ એટલા સમજણા થઈ ગયા છે કે પોતાના જીવન જીવવાનો હક્ક પોતિકા મા-બાપને શીખવી રહ્યા છે. યુવાવસ્થામાં છોકરી/છોકરાને અધિકાર છે જ તેનું મન હોય ત્યાં માંડવો માંડે, પણ ઉછેરી, ભણાવી ગણાવી મોટા કરતાં મા-બાપ રૂઢિગત અને સામાજિક ઢાંચાને વળગી રહે છે. પોતાના દીકરા કે દીકરીના હિતમાં અન્ય સમાજમાં ન જવાની એક અંશે જીદ કરે છે. અને યુવતી સાથે પારિવારિક છેડો ફાડે છે. એ નક્કી કરવું મુશ્કેલ છે કે કોણ સાચું કોણ ખોટું! પરિવારની જીત કે પ્રેમની, સમાજના બંધારણની જીત કે કાયદાની..
મારી સાથે વિશ્વાસઘાત કર્યો, પાછી આવીજા: પિતાનું રુદન
સમાજ, પરિવાર અને જીવનસાથીના આ ચક્રમાં હવે જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણી ફસાઈ છે. તેના પરિવારની વાત કરીએ તો તેના પિતા લેસ પટ્ટીનું કામ એટલે કે સાડીના જોબ વર્કથી પેટિયું રળે છે. તેમને કુલ 5 દીકરીઓ અને એક દીકરો છે. જેમાં આરતી અને તેની બહેન જોડકા છે. જેમાં આરતી નાની છે. જ્યારે 6 ભાઈ બહેનમાં ભાઈ સૌથી નાનો છે. પિતાએ રડતી આંખે દીકરીને ઘરે આવી જવા વિનંતી કરી છે, અને કહ્યું છે કે જે ભૂલ થઈ હોય ઈ..ઈ ભૂલને સુધારી નાખ. હજી સમય છે અને તું પરત આવી જા, અમે તને સ્વીકારવા તૈયાર છીએ. એણે મને વિશ્વાસ આપ્યો તો કે હું દીકરી નહીં તમારો દીકરો છું. તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે!
દેવાંગ ગોહેલ સાથે દોઢેક વર્ષથી પ્રેમ પાંગર્યો
બીજી તરફ આરતી સાંગાણીએ જેની સાથે ભવના ફેરા ફર્યા છે તે દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને સિંગર આરતીના કાર્યક્રમમાં તે તબલા વાદક છે, બંને વચ્ચે દોઢેક વર્ષથી પ્રેમની પાંપણો ફૂટી છે. અંતે આરતી અને દેવાંગને પ્રેમ લગ્ન કરી પોતાનો જીવનસાથી બનાવી લીધો, આરતી મૂળ પાટીદાર સમાજમાંથી આવે છે દીકરીએ આ પગલું ભરતા પિતા અને પરિવાર ખૂબ જ નારાજ થયો છે અને દીકરી આરતીને પરત આવી જવા અને ભૂલ સુધારી લેવા આજીજી સાથે અપીલ કરી રહ્યો છે.
પાટીદાર સમાજ પિતાની પડખે..
હવે વાત આવે છે સમાજની, આરતીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લેતા પાટીદાર આગેવાનો પિતાની પડખે ઊભા થયા છે. જેમાં યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે છેલ્લા 10 દિવસથી દીકરીના માતા-પિતા ખૂબ જ ચિંતામાં છે, પાટીદાર દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો, તેને જે સન્માન, રૂતબો મળ્યો તેની પાછળ માત્ર તેની મહેનત નહીં પરંતુ તેના માતા-પિતા અને સમાજનો મોટો ફાળો છે. જ્યારે વ્યક્તિ સમાજમાં કોઈ મોટા સ્થાન પર હોય ત્યારે તેને લીધેલા નિર્ણયની સમાજ પર અસર થતી હોય એટલે વિચારીને પગલું ભરવું જોઈએ, અન્ય એક પાટીદાર આગેવાને પણ આરતીના નિર્ણય અંગે બળાપો ઠાલવ્યો છે અને કહ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા એટલું જાણવા મળ્યું છે કે આરતી સાંગાણીને પટેલ સમાજમાંથી બહિષ્કાર કરો, એને પટેલ સમાજના કાર્યક્રમમાં બોલાવો નહીં. પટેલ સમાજના જ્યાં પણ કાર્યક્રમ હોય, ત્યાં જઈને પ્રોગ્રામમાં વિરોધ કરો, પ્રોગ્રામ બંધ કરાવો. આટલો પટેલ સમાજના રોષ છે.
શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?: સિંગર આરતી સાંગાણી
છેલ્લે આરતીએ સોશિયલ મીડિયા પર થઈ રહેલા વિરોધને લઈને મૌન તોડ્યું છે, અને સ્પષ્ટ કર્યું છે કે અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?, તમે 'બેટી બચાવો, બેટી પઢાઓ'ની વાતો કરો છો, તો શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો કોઈ અધિકાર નથી? છેલ્લે કહ્યું કે અમે જે કાર્ય કર્યું છે તેનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને લાગણી દુભાઈ છે, તે બદલ હું તેમની માફી માંગુ છું. લોકો અમારી આઝાદીથી અને સન્માનપૂર્વક જીવવાના અધિકારને સમજશે.
માતા-પિતાની સહીવાળા કાયદાની તરફેણમાં અનેક સમાજ
આવી ઘટના તમામ સમાજોમાં બને છે એટલે હવે સમાજના અગ્રણીઓ માતા-પિતાની સહીવાળા કાયદાની તરફેણ કરી રહ્યા છે, પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત રહે તે માટે સરકારના કાને વાત નાખી રહ્યા છે. જેથી કાયદા સાથે સામાજિક વ્યવસ્થા પણ જળવાય


