Gujarat

પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી

By GS TEAM
5 Nov 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને ભારે માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પાકને થયેલા વ્યાપક નુકસાનને લીધે ખેડૂતો પાયમાલ બન્યા હોવાના અહેવાલો વચ્ચે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી

MLA Kirit Patel writes letter to CM for debt waiver : ગુજરાતમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને ભારે માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પાકને થયેલા વ્યાપક નુકસાનને લીધે ખેડૂતો પાયમાલ બન્યા હોવાના અહેવાલો વચ્ચે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે.

પત્રમાં શું કરાઈ રજૂઆત?

ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 'ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને ભારે માવઠાને લીધે ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બનેલી છે. ભારે નુકસાનીને લીધે ગુજરાતના ખેડૂતો પાયમાલ બન્યા છે અને બૅન્કોનું દેવું ભરવા માટે પણ સક્ષમ નથી.'

તેમણે ઉમેર્યું કે, 'જગતના તાતની આવી ખરાબ દશાને લીધે પ્રજાના પ્રતિનિધિ તરીકે ખેડૂતો માટે સંવેદના હોવી જોઈએ. કિરીટ પટેલે એવો પણ ઉલ્લેખ કર્યો કે આ અગાઉ પણ તેમણે નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવા અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.'

દેવા માફી માટે પગાર આપવાની તૈયારી

પત્રમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, 'જો સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો ધારાસભ્ય તરીકે અમોને મળતો પગાર અમો આ દેવા માફીમાં આપવા તૈયાર છીએ.'

ઉદ્યોગપતિઓ અને કોંગ્રેસ સરકારનો ઉલ્લેખ

પત્રમાં સરકારની નીતિઓ પર કટાક્ષ કરતાં લખવામાં આવ્યું છે કે, 'હાલ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે અને મોટા ઉદ્યોગપતિઓ માટે સરકાર દ્વારા અનેક રાહતો પૂરી પાડવામાં આવે છે. તેમણે ભૂતકાળની યાદ આપવતા કહ્યું કે, અગાઉ કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા હતા.'

અત્રે ઉલ્લેખનીય છે કે, કિરીટ પટેલ પહેલા સુરત-વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની દેવા માફી માટે રજૂઆત કરી હતી. આમ, હવે ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ફરી એકવાર રાજકીય સ્તરે ગરમાયો છે.