Gujarat

સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી

By GS TEAM
30 Aug 20252 mins read
સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી

- એસટી તંત્ર મામલતદારના આદેશને ઘોળીને પી ગયું

- રાત્રીના સમયે મોટાભાગની બસ બ્રિજ ઉપરથી બારોબાર જતી રહેતા મુસાફરોને રઝળપાટ કરવાની નોબત

સાયલા : સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી વેઠવાની નોબત આવી છે. આ મામલે મામલતદારે એસટી તંત્રને આદેશ આપ્યો હોવા છતાં તેનું હજુ સુધી અમલ થયો નથી. 

સાયલા ખાતે નેશનલ હાઇવે ઉપર ૧.૩૬  લાખ રૂપિયાના ખર્ચે એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જેની અંદર સવારની એક શિફ્ટની અંદર કંટ્રોલર ફરજ બજાવે છે. સાંજના છ વાગ્યા પછી બસ સ્ટેન્ડની અંદર બસના રૂટ, ટિકિટ બુકિંગ સહિતના પ્રશ્નો હોય તો કન્ટ્રોલરના અભાવે કોઈ માહિતી મળતી નથી. રાત્રેની સમયે મોટા ભાગે એસટી બસ સ્ટેન્ડની અંદર આવેલી લાઈટો પણ બંધ હોય છે. જેથી બસની રાહ જોતી મહિલા અને યુવતીઓમાં ભયનો માહોલ ઉભો થાય છે.

આ બાબતે સંકલન સમિતિ બિન સરકારી સભ્ય નેમરાજસિંહ વાઘેલા દ્વારા પણ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. મોટાભાગની બસો પણ બ્રિજ ઉપરથી બારોબાર જતી રહે છે જેથી કરી સાયલા બસ સ્ટેન્ડમાં ઉભેલા મુસાફરોને સમયસર એસટી બસ ન મળતા સમયસર યોગ્ય જગ્યાએ પહોંચી શકતા નથી. આ બાબતે સાયલા મામલતદાર દ્વારા ગત તા.૧૦ જુલાઈ ૨૦૨૫ના રોજ એસટી ડેપો મેનેજર લીંબડી બસ ડેપો મેનેજર, સુરેન્દ્રનગર સહિતના લોકોને આ બાબતની સુવિધા ચાલુ કરવા માટે લેખિતમાં આપવા છતાં હજુ સુધી આ બાબતે કોઈ પણ પ્રકારની સુવિધા ચાલુ થયેલ નથી.