- સ્વાભિયાન પર્વમાં માનવ મેદની લાવવા માટે બસો ફાળવાઇ
- અનેક રૂટ રદ્દ થતાં નડિયાદ, ખેડા સહિતના ડેપોમાં સવારથી મુસાફરોની ભીડ, મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર
નડિયાદ : સોમનાથમાં સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં માનવ મેદની એકઠા કરવા માટે નડિયાદ એસટી ડિવિઝનની ૨૭૫ એસટી બસો મોકલવામાં આવી છે. જેના કારણે આજે નડિયાદ સહિત ખેડા જિલ્લામાં અનેક એસટીના રૂટો રદ કરાતા વિદ્યાર્થીઓ અને મુસાફરો રઝળી પડયા હતા.ડેપોમાં મોટી સંખ્યામાં લોકોનો આજે ધસારો જોવા મળ્યો હતો અને મુસાફરો ખાનગી વાહનોનો સહારો લેવા મજબૂર બન્યાં હતા.
સોમનાથામાં સ્વાભિમાન પ્રવ અને શૈર્ય યાત્રામાં વડાપ્રધાન હાજરી આપશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા કરવાની કવાયત હાથ ધરી છે. જેને પગલે નડિયાદ એસટી ડિવિઝનના નડિયાદ ડેપોમાંથી ૩૦, ખેડા ડેપોમાંથી ૩૨, આણંદ, બોરસદ, પેટલાદ, ખંભાત, ડાકોર, મહુધા, કપડવંજ અને બાલાસિનોર એસડી ડેપોની કુલ ૨૭૫ બસો શુક્રવારની સાંજથી સોમનાથ મોકલવામાં આવી છે. જેના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અસંખ્યાબંધ એસટી બસો અને રૂટો રદ કરવામાં આવ્યા છે. જેના કારણે આજે સવારે નડિયાદ, ખેડા સહિતના બસ સ્ટેન્ડમાં શાળા- કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ અને રોજિંદા અપડાઉન કરતા મુસાફરોની ભીડ જોવા મળી હતી.
એસટી તંત્ર દ્વારા નિયમિત રૂટની બસો રદ અથવા તેના ફેરા ઘટાડી દેવામાં આવતા મુસાફરોને કલાકો સુધી રાહ જોવાની નોબત આવી હતી. ખાસ કરીને લાંબા અંતરની બસોમાં ભીડ વધી થતી હતી. એસટી બસો રદ કરાતા મુસાફરો ખાનગી વાહનોમાં બેગણા ભાડા ચૂકવીને મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. કેટલાક વિસ્તારમાં વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પણ પહોંચી શક્યા ન હતા.


