એસી બંધ હોવાથી ભૂજ જતી ટ્રેનના મુસાફરોનો વડોદરા રેલવે સ્ટેશન પર હોબાળો
વડોદરાઃ દાદરથી ભૂજ જતી દાદર- ભૂજ એક્સપ્રેસ ટ્રેનનું એસી નહીં ચાલતું હોવાથી મુસાફરોએ વડોદરા રેલવે સ્ટેશન પર બુધવારે મોડી રાત્રે ભારે હોબાળો મચાવ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે ટ્રેનના બી ૩ કોચમાં બેઠેલા મુસાફરોએ ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર પર રોકાઈ એ પછી પ્લેટફોર્મ પર ઉતરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.તેમનું કહેવું હતું કે, આ ટ્રેન મુંબઈથી ઉપડી ત્યારથી જ એસી બંધ છે અને વડોદરા આવી પછી પણ એસી ચાલું થયું નથી.
મુસાફરોએ એક તબક્કે ચીમકી આપી હતી કે, એસી ચાલું નહીં થાય ત્યાં સુધી ટ્રેન આગળ નહીં વધે.અત્યાર સુધી મુંબઈથી વડોદરા વચ્ચે જેટલા સ્ટેશન પર ટ્રેન ઉભી રહી ત્યારે અમે રજૂઆત કરી છે અને દર વખતે સ્ટેશન માસ્ટરે એવો જવાબ આપ્યો છે કે, આગળ જઈને એસી ચાલું થઈ જશે.
મુસાફરોનું કહેવું હતું કે, જે કોચમાં એસી નથી ચાલતું તે ૨૦૧૧માં બનેલો છે.ત્રણ કલાકથી રિપેરિંગના પ્રયાસો પછી પણ કોઈ ફેર પડયો નથી.રેલવે દ્વારા અમને ખોટી જાણકારી આપવામાં આવી રહી છે.ઉલટાનું અમારા પર દારુ પીને હંગામો કરવાનો આક્ષેપ મૂકી રહ્યા છે.આખી ટ્રેનમાં રેલવે અધિકારીઓ ઈચ્છે તો તપાસ કરી શકે છે.આકરી ગરમીમાં એસી વગર મુસાફરી કરી રહેલા લોકો બીમાર પડી શકે છે.નાના બાળકો પણ છે.આમ છતા તંત્રને કોઈ પડેલી નથી.
હંગામો વધી જતા રેલવે પોલીસ પણ પ્લેટફોર્મ પર દોડી આવી હતી અને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન કોચનું એસી ફરી ચાલું થયું હતુ અને એ પછી ટ્રેન રવાના થઈ હતી.આ દરમિયાન ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર ૪૩ મિનિટ માટે રોકાઈ હતી.