વડોદરા રેલવે સ્ટેશન પર ગંદકીનો ભરડો, બસ મથકથી રેલવે સ્ટેશનને જોડતા સ્કાયવોક પાસે સફાઈના અભાવે હાલાકી
Vadodara Railway Station :વડોદરા શહેરને સ્વચ્છ રાખવાના મોટા દાવાઓ વચ્ચે શહેરના મુખ્ય બસ મથકથી રેલવે સ્ટેશનને જોડતા સ્કાયવોક પર સફાઈના અભાવે મુસાફરો ગંદકી અને દુર્ગંધ વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. આ મહત્વના માર્ગ પરની દયનીય સ્થિતિ રેલવે વિભાગના સ્વચ્છતા અભિયાનની પોકળતા છતી કરે છે.
સ્કાયવોક: સુવિધાને બદલે હાલાકી
વડોદરામાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, અને તેનું સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7 પાસે બની રહ્યું છે. મુસાફરોને બુલેટ ટ્રેન સ્ટેશન, રેલવે સ્ટેશન, મુખ્ય ST બસ સ્ટેશન અને સિટી બસ મથક પર સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય તે માટે મુખ્ય બસ ટર્મિનલમાંથી સીધા પ્લેટફોર્મ નંબર-7 પર સ્કાયવોક-વે બનાવવામાં આવ્યો છે. આ સ્કાયવોક મુસાફરોનો સમય અને પૈસા બંને બચાવે છે, કારણ કે તેમને વોકિંગ ડિસ્ટન્સમાં જ તમામ સુવિધાઓ મળી રહે છે.
જોકે, હાલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7ના ભાગે આ વોક-વે પાસે મુસાફરોને ગંદકી, ભારે દુર્ગંધ ફેલાવતા કચરાના પોટલા અને કાદવ કીચડ વચ્ચેથી પસાર થવાની નોબત આવી રહી છે. રેલવે વિભાગના સ્વચ્છતાના દાવાઓ વચ્ચે આ દ્રશ્યો વિરોધાભાસી અને ચિંતાજનક છે.મુસાફરોની સતત માંગ છે કે આ વિસ્તારની વહેલી તકે સફાઈ કરવામાં આવે, જેથી તેમને સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણમાં અવરજવર કરી શકાય.