- કોરોના કાળથી બંધ કરવામાં આવેલી
- ટ્રેન સુવિધા શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઈ
નડિયાદ : કોરોના મહામારી દરમિયાન સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવેલી મોટાભાગની ટ્રેનો પૂર્વવત શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ નડિયાદ-મોડાસા પેસેન્જર ટ્રેન હજુ સુધી શરૂ ન કરી ખેડા જિલ્લાને અન્યાય કરવામાં આવી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે. આ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં ન આવતા ખેડા અને અરવલ્લી જિલ્લાના મુસાફરો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નડિયાદ-કપડવંજ-મોડાસા ટ્રેન ખેડા અને અરવલ્લી જિલ્લાના નોકરી ધંધાર્થે અપડાઉન કરતા મુસાફરો માટે આશીર્વાદ રૂપ હતી. આ ટ્રેન સહિત તમામ ટ્રેનો કોરોના મહામારીમાં લોકડાઉન હેઠળ બંધ કરવામાં આવી હતી. બાદમાં રેલવે તંત્ર દ્વારા ટ્રેનો રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ખેડા અને અરવલ્લી જિલ્લાને જોડતી નડિયાદ-મોડાસા રેલવે સેવા શરૂ કરવા અનેક રજૂઆતો કરવા છતાં નડિયાદ મોડાસા ટ્રેન શરૂ કરવામાં આવી નથી.
કોરોના કાળ પહેલા આ ટ્રેન નડિયાદ, કપડવંજ અને મોડાસા વચ્ચેના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન હતી. ટ્રેન બંધ હોવાને કારણે નોકરિયાતો, વિદ્યાર્થીઓ સહિત દરરોજ અપ-ડાઉન કરતા હજારો મુસાફરો, એસ.ટી. બસ કે ખાનગી વાહનોમાં મોંઘી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. એસ.ટી. બસ તેમજ ખાનગી વાહનોના ભાડા ટ્રેન કરતા વધારે હોવાથી સામાન્ય મધ્યમ વર્ગના ખિસ્સા પર તેની માઠી અસર અસર પડી રહી છે. નાના વેપારીઓ જે માલસામાનની હેરફેર માટે આ ટ્રેનનો ઉપયોગ કરતા હતા, તેમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. નડિયાદ-મોડાસા ટ્રેન આ વિસ્તારના આથક વિકાસની કરોડરજ્જુ છે. રેલવે તંત્ર દ્વારા તાજેતરમાં લોકોની રજૂઆતને ધ્યાનમાં લઇ વડોદરાથી કઠાણાની ટ્રેન શરૂ કરવામાં આવી છે, પરંતુ નડિયાદ-કપડવંજ-મોડાસા ટ્રેન સેવા શરૂ કરવામાં રેલવે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. બંને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વર્ષોથી બંધ પડેલી નડિયાદ-મોડાસા ટ્રેન શરૂ કરાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે તેવી લાગણી વ્યાપી છે. તેમજ ટ્રેન સુવિધા શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઈ છે.


