મની સોલ્યુશનના નામે 100 થી વધુ લોનધારકો સાથે ઠગાઇ કરનાર પાર્ટનર ઝડપાયો

વડોદરાઃ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં મની સોલ્યુશનના નામે ઓફિસ શરૃ કરી લોન અપાવવાના નામે ૧૦૦થી વધુ લોકો સાથે ઠગાઇ કરવાના બનાવમાં બે વર્ષથી ફરાર પાર્ટનરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મુજમહુડાની સિગ્નેટ હબ ખાતે વર્ષ-૨૦૨૪માં મની સોલ્યુશન નામની ઓફિસ શરૃ કરનાર સંચાલક રાજીવ ચોબે અને અંશુ શર્માએ જેટલી જોઇએ તેટલી લોન અપાવવાની જાહેરાતો કરી હતી.બંને ભેજાબાજ લોન ધારક પાસે ડોક્યુમેન્ટ્સ મેળવીને તેમને મોબાઇલ શોપ કે ઇલેકટ્રોનિક્સની દુકાને લઇ જતા હતા.જ્યાં લોનની પ્રક્રિયા કરી તેમના નામે લોન પર સાધનોની ખરીદી કરતા હતા અને આ સાધનો વેચી દઇ રોકડી કરી લેતા હતા.
બંને સંચાલકો લોન ધારક ઇચ્છે તેના કરતાં વધુ લોન પણ લેતા હતા અને બાકીના હપ્તા તેઓ ભરશે તેવી ખાતરી આપતા હતા. પરંતુ ત્યારબાદ બે-ત્રણ મહિનામાં જ તેઓ ઓફિસને તાળાં મારીને ફરાર થઇ જતા હતા.બંને સંચાલકોએ ૧૦૦થી વધુ લોકોને ફસાવી રૃ.૮૬ લાખની રકમ પડાવી લીધી હોવાની વિગતો બહાર આવી છે.
આ બનાવમાં બે વર્ષ પહેલાં જે પી રોડ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ બંને ગઠિયા ફરાર થઇ ગયા હતા.જે પૈકી દિલ્હી ગયેલો અંશુ વિનોદભાઇ શર્મા(જયઅંબે નગર, આજવા રોડ)કેટલાક સમયથી પરત આવ્યો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આરએન બારૈયા અને ટીમે તેને આજવારોડ પરથી ઝડપી પાડી જેપી રોડ પોલીસને સોંપ્યો છે.જ્યારે બીજા પાર્ટનર રાજીવ ચોબેનો હજી પત્તો નથી.









