વડોદરાઃ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા બાદ નોકરી કરવાની સાથે સાથે ડિગ્રી પણ મેળવી શકાય તે માટે ગુજરાતમાં સૌથી પહેલા એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીએ પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ શરુ કર્યો હતો.૩૦ વર્ષ કરતા વધારે સમયથી ચાલતા આ ડિગ્રી કોર્સ પણ સરકારની એસીપીસી( એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ)ના હવાલે થઈ ગયો છે.
આ વર્ષથી કોર્સમાં પ્રવેશ માટેની તમામ કાર્યવાહી એસીપીસી દ્વારા કરવામાં આવી છે.ટેકનોલોજી ફેકલ્ટી દ્વારા પહેલા નવેમ્બર ડિસેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવતી હતી.આ વર્ષે આ કોર્સ માટે એસીપીસીએ ગત જૂન- જુલાઈમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી હતી.યુનિવર્સિટી સત્તાધીશોેએ આ બાબતનો ઝાઝો પ્રચાર પ્રસાર નહીં કર્યો હોવાથી સિવિલ એન્જિનિયરિંગમાં તો માત્ર ૭ જેટલી બેઠકો જ આ વર્ષે ભરાઈ છે.
સૂત્રોનું કહેવુ છે કે, નવી શિક્ષણ નીતિ પ્રમાણે હવે રાજ્યની દરેક યુનિવર્સિટીમાં પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ શરુ કરાયો છે.જેને વર્કિંગ પ્રોફેશનલ કોર્સ નામ અપાયું છે.આ માટે એઆઈસીટીઈ( ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન)ની નવેસરથી મંજૂરી લેવામાં આવી છે.જેના કારણે એમ.એસ.યુનિવર્સિટીના પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સની બેઠકોમાં પણ ઘટાડો થયો છે.બેઠકો ઘટવાના કારણે હવે આ કોર્સની ફી વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.જેને હજી મંજૂરી મળી નથી.
દરેક બ્રાન્ચમાં ૪૫ની જગ્યાએ ૩૦ બેઠકો, ફી વધારીને ૪૦,૦૦૦ કરાશે
પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સમાં પહેલા સિવિલ, મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ બ્રાન્ચમાં ૪૫-૪૫ બેઠકો પર પ્રવેશ અપાતો હતો.હવે આ ત્રણે બ્રાન્ચમાં ૩૦-૩૦ બેઠકોને મંજૂરી આપવામાં આવી છે.જોકે યુનિવર્સિટીએ આગામી વર્ષે બેઠકો વધારવા માટે મંજૂરી માગવાનું નક્કી કર્યું છે.બેઠકો ઘટી હોવાથી ફી વધારીને ૪૦૦૦૦ રુપિયા કરવાનો પ્રસ્તાવ પણ છે.હજી સુધી તેને મંજૂરી મળી નથી પણ કોર્સ ચલાવવો હશે તો ફી વધારો કરવો પડશે તેવું સૂત્રોનું કહેવું છે.
હવે ૭૫ કિમી વિસ્તારમાં નોકરી કરતો ઉમેદવાર પ્રવેશ માટે અરજી કરી શકશે
અગાઉ પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સમાં પ્રવેશ લેવા માટે ઉમેદવાર વડોદરાની આસપાસના ૪૦ કિલોમીટર વિસ્તારની અંદર નોકરી કરતો હોય તેવો નિયમ હતો પણ હવે એસીપીસીએ આ મર્યાદા વધારીને ૭૫ કિલોમીટર કરી નાંખી છે.જોકે આટલે દૂર નોકરી કરતો વ્યક્તિ નોકરી પૂરી કરીને ટ્રાફિકની વચ્ચે સાંજના સમયે ભણવા માટે કેવી રીતે સમયસર પહોંચી શકશે તે એક સવાલ છે.
ંકેમિકલ બ્રાન્ચની બેઠકોની મંજૂરી હજી અધ્ધરતાલ
પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સમાં કેમિકલ બ્રાન્ચની ૪૫ બેઠકો પણ ઉમેરવામાં આવી હતી.જોકે નવેસરથી મંજૂરીની પ્રક્રિયા દરમિયાન એઆઈસીટીઈએ માત્ર ત્રણ બ્રાન્ચને મંજૂરી આપી હોવાથી અત્યારે તો કેમિકલ બ્રાન્ચની મંજૂરી અધ્ધર તાલ છે પણ ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, આગામી વર્ષે એઆઈસીટીઈ દ્વારા મંજૂરી આપી દેવાશે અને આ બ્રાન્ચના વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવામાં વાંધો નહીં આવે.


