જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વાણંદ શેરીમાં એક મકાનની છતનો હિસ્સો એકાએક તૂટી પડ્યો: માતા પુત્રનો બચાવ: કોઈ જાનહાની નહીં
જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર વંડા ફળી નજીક વાણંદ શેરીમાં શનિવારે બપોરના સમયે એક મકાનની છત નો હિસ્સો એકાએક ધસી પડ્યો હતો. જેમાં રહેતા માતા પુત્રનો બચાવ થયો હતો, અને કોઈ જાનહાની થઈ ન હતી.
વાણંદ શેરીમાં રહેતા ધર્મિષ્ઠાબેન જગદીશગીરી ગોસાઈ અને તેનો પુત્ર શિવમગીરી જગદીશગીરી ગોસાઈ કે જેઓ મકાનમાં હાજર હતા, પરંતુ જે જગ્યાએ છતનો હિસ્સો ધસી પડયો, ત્યાંથી થોડો સમય પહેલાં જ ખસી ગયા હોવાના કારણે તેઓનો બચાવ થયો હતો, અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
વરસાદી સીઝન ના કારણે છત નો ભાગ નબળો પડી ગયા પછી તેનો હિસ્સો ઘરમાં રાખેલા પલંગ અને તેની આજુબાજુમાં ઢગલો થઈને પડ્યો હતો. આ બનાવને લઈને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પરંતુ કોઈને ઈજા થઈ ના હોવાથી સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.