ધ્રાંગધ્રામાં માર્ગ અને મકાનની પેટા કચેરીના સ્લેબનો ભાગ તૂટયો

- છતનો સ્લેબ તૂટીને કાર પર પડતા નુકસાન
- શનિવારની રજાના કારણે લોકોની ચહલપહલ ઓછી હોવાના કારણે દુર્ઘટના ટળતા રાહત
ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર તેમજ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે ધ્રાંગધ્રા શહેરના બજાર વિસ્તારમાં આવેલા માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીની જર્જરિત છતનો એક ભાગ સહિત પથ્થરો ધરાશાયી થઈ નીચે પડતા કચેરી પાસે ઉભેલી એક કારનો આગળ અને પાછળ સહિત સાઈડના કાચ તુટી ગયા હતા તેમજ બોનેટ પર સહિતના અલગ-અલગ ભાગોને નુકસાન પહોંચ્યું હતું. આ કચેરીની નજીક સરકારી હોસ્પિટલ, શાક માર્કેટ તેમજ સ્કુલ આવેલી છે અને લોકોની અવર-જવર વધુ રહે છે. સદ્દનસીબે ધાબાનો સ્લેબ તૂટી પડવાના સમયે કોઈ હાજર ન હોવાથી અને બીજા શનિવારના કારણે કચેરીમાં રજા હોવાથી જાનહાની ટળી હતી.








