- ફાયર ફાયટરની ટીમે તમામને સલામત બહાર કાઢ્યા
- શ્રવણ ટોકીઝ રોડ પર મકાનનો પેસેજ તૂટી સીડી પર પડતા પરિવાર ઉપરના માળે ફસાયો હતો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી શ્રવણ ટોકીઝ રોડ પર આજે એક વર્ષો જૂના મકાનનો પેસેજ અચાનક ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને પગલે મકાનના ઉપરના માળે રહેતા પરિવારના પાંચ સભ્યો ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાયટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમે સીડીઓ અને આધુનિક સાધનોની મદદથી મકાનમાં ફસાયેલા ૪૮ વર્ષીય ઈકબાલભાઈ મસ્કતિયા, શબાનાબેન ઈકબાલભાઈ (ઉ.૪૨), રજીયાબેન મેમણ (ઉ.૪), અકિસ્તાના યાસીનભાઇ (ઉ.૨૭) અને ફરીનબેન મુસ્તુફાભાઇ (ઉ.૨૩)નું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પેસેજ તૂટી પડતા નીચે ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો હતો, પરંતુ ફાયર ટીમની સમયસૂચકતાને કારણે તમામ ૦૫ વ્યક્તિઓને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન બાદ ટીમે મકાનમાંથી પરિવારની કિંમતી ચીજવસ્તુઓ પણ સુરક્ષિત રીતે બહાર કાઢી આપી હતી.


