ધ્રાંગધ્રા ખાતે પીયરમાં રહેતી પરણિતાએ મોરૈયા ગામે રહેતા સાસરીયાપક્ષ સામે ફરિયાદ નોંધાવી

- પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સહિત 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી
- શારીરિક, માનસીક ત્રાસ તેમજ દહેજ માંગી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં મહિલાઓ અને ૫રણિતાઓ પર શારીરિક અને માનસીક ત્રાસ તેમજ જાનથી મારી નાંખવાની ધમકીના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પિયરમાં રહેતી પરણિતાએ પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સહિત છ શખ્સો સામે શારીરિક અને માનસીક ત્રાસ તેમજ દહેજ માંગવા અંગે અને જાનથી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના આંબેડકરનગર વિસ્તારમાં પિયરમાં રહેતી પરણિતા અને ફરિયાદી હિરાબેન ખાનાભાઈ પરમારના લગ્ન વર્ષ ૨૦૧૮માં વિરમગામના કુમારખાણ ગામે રહેતા અને હાલ બાવળાના મોરૈયા ગામે રહેતા ચંદ્રેશભાઈ લવજીભાઈ પરમાર સાથે સમુહલગ્નમાં રીત રીવાજ મુજબ થયા હતા અને લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો જેનુ જન્મના થોડા દિવસો બાદ મોત નીપજ્યું હતું. લગ્નના એક વર્ષ બાદ પતિ સહિત સાસુ-સસરા અને જેઠ જેઠાણી અવાર-નવાર નાની-નાની વાતો તેમજ ઘરકામ બાબતે ફરિયાદીને મેણા ટોણાં મારી માનસીક ત્રાસ ગુજારતા હતા અને સમુહલગ્નમાં લગ્ન કર્યા હોવાથી પિતાના ઘરેથી કરીયાવર કે રોકડ રકમ ન લાવી હોવાના ટોણાં મારી ત્રાસ આપતા હતા. તેમજ પતિને અન્ય મહિલા સાથે સબંધ હોય અને મૈત્રી કરાર કરી તેની સાથે રહેતા હોવાનું અને દારૂ તેમજ જુગારની ટેવ હોવાનું પણ બાદમાં ફરિયાદીને માલુમ પડયું હતું જે અંગે વાત કરતા પતિ સહિતનાઓએ એકસંપ થઈ ફરિયાદીને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ફરિયાદીને સાસરીયામાં ન રહેવું હોય તો છુટ્ટાછેડા આપી પીયરમાં જતા રહેવાનું કહેતા ફરિયાદી છેલ્લા ૭ વર્ષથી ધ્રાંગધ્રા પીયરમાં રહે છે જે અંગે અવાર-નવાર સમાધાનનું પતિ સહિતનાઓને જણાવ્યું હતું પરંતુ તેઓ સમાધાન માટે તૈયાર થયા નહોતા આથી ફરિયાદીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે (૧) ચંદ્રેશભાઈ લવજીભાઈ પરમાર (પતિ) (૨) સમુબેન લવજીભાઈ પરમાર (સાસુ) (૩) લવજીભાઈ દાનાભાઈ પરમાર (સસરા) (૪) નેરશભાઈ લવજીભાઈ પરમાર (જેઠ) (૫) દશરથભાઈ લવજીભાઈ પરમાર (જેઠ) અને (૬) જયોતીબેન દશરથભાઈ પરમાર (જેઠાણી) તમામ રહે.મોરૈયા તા.સાણંદવાળા સામે શારીરિક અને માનસીક ત્રાસ તેમજ દહેજની માંગણી કરી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.









