Gujarat

નટુભાઈ સર્કલ પાસે ભૂવો પડતા પાર્ક કાર ફસાઈ, ક્રેનની મદદથી બહાર કાઢી

By GS TEAM
6 Jul 20251 min read
નટુભાઈ સર્કલ પાસે ભૂવો પડતા પાર્ક કાર ફસાઈ, ક્રેનની મદદથી બહાર કાઢી


શહેરમાં એક પછી એક માર્ગ ઉપર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે નટુભાઈ સર્કલ પાસે માર્ગ ઉપર વધુ એક ભુવો પડતા પાર્ક કાર ફસાઈ જતા ક્રેનની મદદ લઈ બહાર કાઢવામાં આવી હતી.

ચોમાસાના આગમનને લઈ વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ ,ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી રહી છે. અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. અમુક જગ્યાએ રોડ બેસી જવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે આ વર્ષે પણ ભુવા પડવાની સમસ્યાથી જનતાને કોઈ રાહત મળી નથી. તેવામાં નટુભાઈ સર્કલ નજીક આવેલ અરુણદીપ કોમ્પ્લેક્સ પાસે માર્ગ ઉપર ભૂવો પડવાથી પાર્ક કાર ફસાઈ ગઈ હતી. કાર પાર્ક કરી ત્રણ મિત્રો જમવા માટે ગયા હોય  પરત આવતા તેઓએ ક્રેન મારફતે કારને બહાર કાઢી હતી. જેમાં કારને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું.