પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pariksha Pe Charcha 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'પરીક્ષા પે ચર્ચા 2026' ના બીજા એપિસોડમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં જ્યારે ગુજરાતના બે ભાઈઓ 'અવિ અને જય', પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્યારે એક અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ બંને ભાઈઓના નામ સાંભળતા જ વડાપ્રધાનનો ચહેરો ખીલી ઉઠ્યો હતો અને તેમણે 'જય' ને સ્નેહપૂર્વક ગળે લગાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પીએમ મોદીનું સ્વાગત પોતાની સ્થાનિક ભાષામાં કર્યું હતું. પીએમ મોદીને આદિવાસી લોકકળાવાળી જેકેટ પહેરેલા જોઈને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જૂની મુલાકાતની યાદો થઈ તાજી
વડાપ્રધાન મોદી અને આ બંને ભાઈઓ વચ્ચેનો સંબંધ જૂનો છે. અગાઉ 2022માં પણ પીએમ મોદી આ બંનેને મળ્યા હતા. વર્ષો પછી ફરી તેમને પોતાની સામે જોઈને પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, "જય અને અવિ, તમે કેટલા મોટા થઈ ગયા છો!" તેમણે અન્ય વિદ્યાર્થીઓને પણ આ બંને સાથેના પોતાના જૂના પરિચય વિશે જણાવ્યું અને હળવા અંદાજમાં પૂછ્યું કે, "હવે આ બંનેમાં હિંમત આવી કે નહીં?" જેના જવાબમાં અન્ય વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર 'હા' પાડી હતી.

આદિવાસી વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ અને વિકાસ પર મંથન
આ કાર્યક્રમમાં વડાપ્રધાને ખાસ કરીને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. શિક્ષણ, પરીક્ષાનો તણાવ દૂર કરવાની રીતો, કરિયરના વિકલ્પો અને રાષ્ટ્રનિર્માણમાં આદિવાસી સમાજનું યોગદાન જેવા વિષયો પર સંવાદ થયો હતો.

ઉમરગામથી અંબાજી સુધીના વિકાસની ગાથા
જ્યારે એક વિદ્યાર્થીએ આદિવાસી વિસ્તારોના વિકાસ પાછળની પ્રેરણા વિશે પૂછ્યું, ત્યારે પીએમ મોદીએ પોતાના જૂના અનુભવો શેર કર્યા હતા. તેમણે પાલ-ચિતરિયાની ઘટના અને ભૂતકાળમાં પડેલા દુષ્કાળના સમયમાં આદિવાસીઓ સાથે કરેલા કામને યાદ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, "એક સમયે ઉમરગામથી અંબાજી સુધીના આખા પટ્ટામાં વિજ્ઞાન પ્રવાહની એક પણ શાળા નહોતી. આજે ત્યાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે અને મજબૂત માળખાગત સુવિધાઓ જ લાંબા ગાળાના વિકાસનો પાયો છે."









