ખેડૂતોને ગિરવે મૂક્યા તો ખેર નથી... 'ખેડૂત સત્યાગ્રહ'માં સરકાર-‘આપ’ને વિપક્ષની ચીમકી

Congress Kheti Bachao Satyagraha : માવઠાના કારણે પાકને થયેલા નુકસાન મુદ્દે પીડિત ખેડૂતો માટે કોંગ્રેસે અમરેલીના વડીયાથી ‘ખેતી બચાવો સત્યાગ્રહ' આંદોલનનો આરંભ કર્યો છે. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાની હેઠળ ખેડૂતોને સાથે રાખીને જન આંદોલન શરૂ કરાયું છે.
કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગણી કરી હતી. આ સમયે પરેશ ધાનાણીએ કપાસ અને મગફળીના ટોપલા મામલતદારને અર્પણ કરીને ખેડૂતોના 'કર્મ ફૂટ્યા' હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.
પરેશ ધાનાણીના ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર
'ખેતી બચાવો સત્યાગ્રહ' દરમિયાન વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ સરકારની સાથે 'આપ' નેતા ગોપાલ ઇટાલિયાને પણ આડે હાથ લીધા હતા. ધાનાણીએ ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે 'ભાઈ ગોપાલ, વિસાવદરમાં ખેડૂતોએ તને ખંભે બેસાડી સામા પાણીએ તને ચૂંટીને મોકલ્યો હતો. અમારા વીઘે 50 હજાર ધોવાયા ને તું વીઘે 8 હજારમાં સોદો કરી નાખે? આખા ગુજરાતના ખેડૂતોનો 8 હજારમાં સોદો કરવાનું ષડયંત્ર રચાયું છે. ભાઈ ગોપાલ, ખબરદાર તમારે વેચાવું હોય તો વેચાવ. અમારું પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે... તમે  ગુજરાતના ખેડૂતોને 8 હજાર માં ગિરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું છે.' 
પ્રતાપ દુધાતે ભાજપ MLA કુમાર કાનાણીને બિરદાવ્યા
આંદોલન દરમિયાન કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ભાજપના ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા હતા. દુધાતે સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને માવઠાથી પીડિત ખેડૂતો માટે સરકારમાં પત્ર પાઠવવા બદલ બિરદાવ્યા હતા.
પ્રતાપ દુધાતે કહ્યું, 'કુમાર કાનાણીના માતાપિતાને લાખ લાખ વંદન... આ ભાજપ કોંગ્રેસની વાત નથી, આ ખેડૂતોને બચાવવાની વાત છે, માટે કુમાર કાનાણીને દિલથી અભિનંદન આપું છું.'
જો કે, આ સાથે જ તેમણે ટીવી ડિબેટમાં આવતા ભાજપના અન્ય પ્રવક્તાઓને આડે હાથ પણ લીધા હતા.

