Get The App

છેડતીના ભયે વાલીઓ સ્કૂલમાંથી છોકરીઓના નામ કઢાવી રહ્યા છે, મ્યુનિ. કાઉન્સિલરોનો આક્ષેપ

Updated: Dec 23rd, 2024

GS TEAM


Google News
Google News
છેડતીના ભયે વાલીઓ સ્કૂલમાંથી છોકરીઓના નામ કઢાવી રહ્યા છે,  મ્યુનિ. કાઉન્સિલરોનો આક્ષેપ 1 - image


Lack of security and safety at school : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બુધવારે રાત્રે અસામાજિક તત્ત્વો એ પોલીસને પણ ધમકી આપીને ભગાડી દીધી હોવાની ઘટનાએ શહેરની સલામતી સામે સવાલો ઉભા કરી દીધા છે. આ સ્થિતિ વચ્ચે રખિયાલ વિસ્તારમાં લુખ્ખાઓની છેડતીના ભયથી વાલીઓ શાળામાંથી દીકરીઓના નામ કઢાવી રહ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ સ્થાનિક કાઉન્સિલરોએ કર્યો છે. અહીં પાંચ જેટલી જુદી જુદી શાળાઓ ચાલી રહી છે. પરંતુ સલામતીના અભાવે અસામાજિક તત્વો શાળા આસપાસ પડ્યા પાથર્યા રહે છે.

8 શાળાઓના આખા સંકુલ વચ્ચે માત્ર એક સિક્યોરિટી ગાર્ડ

રખિયાલ ચાર રસ્તા પાસે ઉર્દૂ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, રખિયાલ ગુજરાતી શાળા નં.1/2, રખિયાલ ઉર્દૂ શાળા નં.1, બાપુનગર હિન્દી મ્યુનિ. માધ્યમિક શાળા અને રખિયાલ અંગ્રેજી પ્રાથમિક શાળા એમ કુલ આઠ શૈક્ષણિક સંસ્થાઓ એક જ કેમ્પસમાં ચાલે છે. આ શાળાઓમાં ગોમતીપુર, બાપુનગર, સરસપુર અને આસપાસના વિસ્તારના અઢી હજાર જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરવા આવે છે. 

આ પણ વાંચો : 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં અમદાવાદ બંધની ચિમકી

ગત જાન્યુઆરી માસમાં મ્યુનિ.એ તઘલખી નિર્ણય કરીને કેમ્પસમાં વચ્ચે એક દીવાલ બનાવી દીધી છે. જેના કારણે એક તરફ પાંચ શાળાઓ છે અને બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. માધ્યમિક વિભાગમાં 720 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવા છતાં આ બંને સંકુલ વચ્ચે માત્ર એક સિક્યોરિટી ગાર્ડ છે!  પરિણામે બહારના તત્વો શાળા આસપાસ અડીંગો જમાવીને પડયા રહે છે. અવાર-નવાર વિદ્યાર્થિનીઓની છેડતીના બનાવો બને છે. પ્રિન્સિપાલ દ્વારા નજીકના પોલીસ મથકમાં અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે. 

આ પરિસ્થિતિના કારણે ભયનો માહોલ સર્જાતા ઘણા વાલીઓ પોતાની દીકરીઓને અભ્યાસ છોડાવી શાળામાંથી નામ કમી કરાવી રહ્યા છે. ત્યારે કોઈ મોટી ગંભીર ઘટના ઘટે તે પહેલાં આ સમગ્ર સંકુલમાં પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા કરવા સ્થાનિક કાઉન્સિલરો દ્વારા કમિશનર સમક્ષ લેખિત માગણી કરવામાં આવી છે. 

બીજી તરફ પ્રિન્સિપાલ જેવા જવાબદાર અધિકારી દ્વારા જાણ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કે પગલાં લેવામાં આવ્યા નથી. શાળા શરૂ થવાના અને છૂટવાના સમયે પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરાય તો પણ સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે તેમ છે. પરંતુ પોલીસ વિભાગને વિદ્યાર્થિનીઓની સલામતીમાં કોઈ રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે.

Tags :