સેવન્થ ડે સ્કૂલમા સ્કાઉટ તાલીમમાં ગયા બાદ વિદ્યાર્થી લાપતા થયો હતો
સેવન્થ ડે સ્કૂલ ધર્માતર કરવાના વિવાદમાં આવી હતી
નવ મહિનાની તલાસ બાદ લાપત્તા વિદ્યાર્થી ખ્રિસ્તી મિશનરી માટે કામ કરતો આદિવાસી વિસ્તારમાંથી મળ્યો હતોઃ સ્કૂલની અનેક પ્રવૃતિ શંકાના દાયરામાં
અમદાવાદ,સોમવાર
ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાના મામલે શરૂ કરવામાં આવેલી પોલીસ તપાસમાં સ્કૂલની બેદરકારીની અનેક વિગતો સામે આવી રહી છે. ત્યારે સેવન્થ ડે સ્કૂલ અગાઉ પણ વિવાદમાં આવી ચુકી છે. વર્ષ ૨૦૧૩માં સેવન્થ ડે સ્કૂલમાં સ્કાઉટની તાલીમ માટે આવેલા એક વિદ્યાર્થીને ખ્રિસ્તી મિશનરી માટે કામ કરવા માટે સક્રિય કર્યો હતો. જેના કારણે તે વિદ્યાર્થી ઘર છોડીને ચાલ્યો ગયો અને નવ મહિના બાદ આદિવાસી વિસ્તારમાં મિશનરી માટે કામ કરતો મળી આવ્યો હતો.
સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થી નયન સતાણીની હત્યા બાદ આરોપીઓની ધરપકડ કરીને ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે. ત્યારે સેવન્થ ડે સ્કૂલમા ંચાલતી અનેક વિવાદાસ્પદ બાબતો પણ સામે આવી રહી છે. જેમાં અગાઉ સેવન્થ ડે સ્કૂલના સંચાલકો પણ ધર્માતરની પ્રવૃતિના આરોપ મુકાઇ ચુક્યા છે. વર્ષ ૨૦૧૩માં એસજીવીપીમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી સ્કાઉટની તાલીમ માટે આશરે એક સપ્તાહ માટે સેવન્થ ડે સ્કૂલમાં આવ્યો હતો. પરંતુ, તે ઘરે પરત ફર્યો ત્યારે તેનો સ્વભાવ બદલાઇ ચુક્યો હતો અને તાલીમના થોડા દિવસ બાદ તે રહસ્યમય રીતે લાપતા થયો હતો. તેના પરિવારજનોએ તપાસ કરી ત્યારે તેની બેગમાંથી ખ્રિસ્તી મિશનરીના પુસ્તકો પણ મળી આવ્યા હતા.
અમદાવાદ પોલીસે તે વિદ્યાર્થીની તપાસ કરી ત્યારે તે નવ મહિના બાદ આદિવાસી વિસ્તારમા ખ્રિસ્તી મિશનરી માટે કામ કરતો મળી આવ્યો હતો. તેને પરત લાવ્યા બાદ પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યારે એવી વિગતો મળી હતી કે તેને સ્કાઉટની તાલીમ દરમિયાન સ્કૂલના કેટલાંક સ્ટાફે મિશનરી અંગે માહિતી આપી હતી. ત્યારબાદ તે પ્રભાવિત થઇને ઘરેથી જતો રહ્યો હતો. જો કે આ કેસમાં સ્કૂલના સંચાલકોએ તમામ વગનો ઉપયોગ કરીને મામલો રફેદફે કરાવી દીધો હતો.
આ વિદ્યાર્થીના લાપત્તા થતા તેની શોધખોળ કરવા માટે સક્રિય સંસ્થા સર્ચ માય ચાઇલ્ડના સંજય જોષીએ જણાવ્યું કે સ્કૂલમાં ચાલતી આ પ્રવૃતિને લઇને અગાઉ પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. વિદ્યાર્થીના મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરી હોત તો મોટા કૌભાંડના બહાર આવવાની શક્યતા હતી.