પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે સરકારે કુલડીમાં ગોળ ભાંગ્યો, વિપક્ષનો ગંભીર આરોપ
File Photo |
Par-Tapi Narmada Link Project: નદીઓને જોડતાં પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા છે કેમકે, કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે આ પ્રોજેક્ટનો ડીપીઆર સુધ્ધાં તૈયાર કરી દીધો છે. વિધાનસભામાં આ મુદ્દે સવાલ ઉઠતાં રાજ્ય સરકારે એવો ફોડ પાડયો છે કે, આ પ્રોજેક્ટ મામલે વર્ષ 2023માં મહારાષ્ટ્ર-કેન્દ્ર સાથે એમઓયુ રદ કરવા ગુજરાત સરકારે કેન્દ્રને પત્ર લખ્યો હતો. જોકે, પ્રોજેક્ટ રદ કરાયો કે નહીં તે મામલે કોઈ ચોખવટ કરાઈ નથી. આ જોતાં આદિવાસી લાલઘૂમ થયા છે.
53 હજારથી વધુ આદિવાસી સ્થળાંતર કરવા મજબૂર બનશે
પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટને આખરી સ્વરૂપ આપી દેવાયુ છે. આ પ્રોજેક્ટને પગલે વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ જિલ્લાના 61 ગામડાઓને અસર થશે. 15 હજારથી વધુ મકાનો તૂટશે. 53 હજારથી વધુ આદિવાસીઓને સ્થળાંતર કરવા મજબૂર થવુ પડશે અને 35 હજાર હેક્ટર જંગલ-ખેતીની જમીનો ઝૂંટવી લેવાશે તેવી ભીતી સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ આખરે ગુજરાત સરકારે સ્વીકાર્યું, નલ સે જલ યોજનામાં કૌભાંડ, 12 સામે FIR દાખલ
સરકારે કર્યો ખુલાસો
મંગળવારે (9 સપ્ટેમ્બર) વિધાનસભામાં પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ વિશે સવાલ પૂછાયો ત્યારે સરકારે એવો ખુલાસો કર્યો કે, વર્ષ 2023માં ગુજરાત સરકારે કેન્દ્રને પત્ર લખ્યો કે, આ પ્રોજેક્ટ માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર વચ્ચે થયેલાં એમઓયુ રદ કરવામાં આવે. હકીકતમાં એવી કોઈ ચોખવટ કરવામાં આવી નથી કે, પ્રોજેક્ટ રદ કરાયો છે કે નહી.
અનંત પટેલનો વિરોધ
ધારાસભ્ય અનંત પટેલે આ મુદ્દે વિરોધ નોંધાવતાં કહ્યું કે, સાંસદ ધવલ પટેલે જે પત્ર રજૂ કર્યો તેમાં આ વાતનો ઉલ્લેખ નથી. મંત્રી ઋષિકેશ પટેલે પણ સરકાર તેના નિર્ણય પર અડગ છે તેમ કહીને વાત અધુરી રજૂ કરી છે. હવે ખુદ સરકાર કહે કે, પ્રોજેક્ટના એમઅઓયુ રદ કરવા માત્ર પત્ર લખ્યો છે. પણ પ્રોજેક્ટ રદ થયો નથી. આમ, આદિવાસીઓ સાથે સરકાર છળકપટ કરી રહી છે. સરકારે કુલડીમાં ગોળ ભાંગ્યો છે. આદિવાસીઓએ નક્કી કર્યું છે કે, પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ માટે એક ઈંચ પણ જમીન આપીશું નહીં.
આ પણ વાંચોઃ અમદાવાદના રસ્તા કે મોતનો કૂવો : AMCની બેદરકારી, 70 દિવસમાં 12 નિર્દોષના મોત
એક ઈંચ પણ જમીન ન આપવા આદિવાસીઓ મક્કમ
આદિવાસી ધારાસભ્યએ ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી સરકાર પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ મુદ્દે શ્વેતપત્ર બહાર નહીં પાડે ત્યાં સુધી રેલી-વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. ચોમાસું સત્ર પછી વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નવસારી જિલ્લામા દેખાવો-રેલી યોજવા આયોજન કરાયું છે. સરકારની બેધારી નીતિને પગલે આદિવાસીઓ રોષે ભરાયાં છે.