જરોદ તા.૧૨ વાઘોડિયા તાલુકામાં દેવ નદીના કિનારા પર આવેલા ગામોમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. દીપડાના વારંવાર હુમલાના કારણે વન વિભાગ દ્વારા પાંજરુ મૂકવામાં આવ્યું હોવા છતાં દીપડો તેમા કેદ થતો નથી.
વાઘોડિયા તાલુકાના છેડે આવેલી દેવ નદીના કાંઠા વિસ્તારોના ગામોમાં વારંવાર દીપડાની લતાર જોવા મળતી હોય છે. આ ગામોમાં તક મળે ત્યારે પશુઓનું મારણ કરી પશુપાલકો તેમજ ખેડૂતોને નુકસાન પહોંચાડે છે. નદી કાંઠો હોવાથી આ પ્રાણીઓની અવરજવર વારંવાર રહેતી હોય છે અને તેઓ કેટલીક વખત માનવ વસાહતમા આવે છે. ગઇ રાત્રે દંખેલા ગામે દીપડાના વધુ એક હુમલાએ ગ્રામજનોમાં ગભરાટ ફેલાવ્યો છે.
ગ્રામજનો કહે છે કે માત્ર એક જ દીપડો નહી પરંતુ એકથી વધુ દીપડાની સંખ્યા હોવાનું અનુમાન છે. દીપડાના પંજાના નિશાન પરથી એકથી વધારે સંખ્યા હોવાનું મનાઇ રહ્યું છે. દીપડાના વારંવાર હુમલાના કારણે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા દીપડાને ઝબ્બે કરવા માટે પાંજરૃ પણ મૂકવામાં આવ્યું છે પરંતુ તેમાં દીપડો ફસાતો નથી. દીપડા પણ હવે સતેજ થઇ ગયા હોય તેમ ગ્રામજનો માની રહ્યા છે.
ગ્રામજનોના કહેવા મુજબ રાત્રે ખેતરોમાં પાક સાચવવા માટે જવાનો પણ હવે ભય લાગે છે. અત્યાર સુધી તો દીપડા માત્ર પશુઓનું મારણ કરતા હોય છે પરંતુ તેઓ માનવ પર આક્રમણ કરીને નુકસાન પહોંચાડી શકે છે. વન વિભાગની મહેનત છતાં પણ દીપડો નહી પૂરાતા હવે ગ્રામજનોમાં વધુ ભય ફેલાયો છે.


