Gujarat

શ્રાવણ માસમાં શહેરા નજીક જમીનમાંથી મળી આવ્યું શિવલિંગ, વાયુવેગે વાત ફેલાતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા

By GS TEAM
16 Aug 20252 mins read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાના શહેરામાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં એક અનોખી ઘટના બની છે. અહીંના પ્રખ્યાત મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી શિવલિંગ મળી આવ્યું છે. ઝાડી-ઝાંખરા વચ્ચેથી શિવલિંગ દેખાતા જમીન માલિક અને આસપાસના લોકોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાની લાગણી જન્મી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાવણ માસમાં શહેરા નજીક જમીનમાંથી મળી આવ્યું શિવલિંગ, વાયુવેગે વાત ફેલાતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરામાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં એક અનોખી ઘટના બની છે. અહીંના પ્રખ્યાત મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી શિવલિંગ મળી આવ્યું છે. ઝાડી-ઝાંખરા વચ્ચેથી શિવલિંગ દેખાતા જમીન માલિક અને આસપાસના લોકોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાની લાગણી જન્મી છે.

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ શિવલિંગની પૂજા-અર્ચના કરી. દેવાધિદેવ મહાદેવનું શિવલિંગ જમીનમાંથી પ્રગટ થયું હોવાની વાત વાયુવેગે શહેરા અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ. જેને પગલે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્થળે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. લોકો શિવલિંગની પૂજા કરી રહ્યા છે, ભજનો ગાઈ રહ્યા છે અને આસ્થાના આ માહોલમાં લીન થઈ રહ્યા છે. સ્થાનિક પ્રશાસન અને મંદિર સમિતિ દ્વારા પણ આ સ્થળની દેખરેખ રાખવામાં આવી રહી છે.


આ બાબતે કોઈ અંધશ્રદ્ધા ન ફેલાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે, પરંતુ આ ઘટના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની છે અને શ્રાવણ માસમાં મહાદેવના દર્શનનો લહાવો લેવા લોકો અહીં આવી રહ્યા છે.

જ્યાંથી આ શિવલિંગ મળી આવ્યું છે તે સ્થળ મરડેશ્વર મહાદેવ મંદિરની અત્યંત નજીક આવેલું છે, જેનું એક વિશેષ મહત્ત્વ છે. સ્થાનિક લોકોમાં એવી શ્રદ્ધા છે કે આ સંભવતઃ પ્રાચીન મરડેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પરિસરનો જ એક ભાગ હોઈ શકે છે. તેમનું માનવું છે કે વર્ષો પહેલાં આ પરિસરમાં અન્ય નાનાં-મોટાં શિવમંદિરો પણ અસ્તિત્વમાં હશે, જે કાળક્રમે ધરતીમાં સમાઈ ગયા હશે. આ શિવલિંગનું પ્રગટ થવું એ પ્રાચીન ધાર્મિક અવશેષોના પુનરાગમન સમાન હોઈ શકે છે.