ભાવનગરમાં ઓગષ્ટ માસમાં પાણીજન્ય બિમારીના 4,606 કેસ નોંધાતા ગભરાટ
- વરસાદીની સીઝનમાં પાણીજન્ય બિમારીના કેસમાં સતત વધારો
- તાવ, શરદી-ઉધરસ, ઝાડા વગેરે બિમારીના દર્દીઓની સારવાર માટે મહાપાલિકાના આરોગ્ય ખાતે જામતી ભીડ
ભાવનગર મહાપાલિકાના ૧૩ વોર્ડના આરોગ્ય સેન્ટરો ખાતે ગત ઓગષ્ટ માસમાં પાણીજન્ય બિમારીના કુલ ૪,૬૦૬ કેસ નોંધાયા છે, જેમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા, કોલેરા વગેરેનો સમાવેશ થાય છે. પાણીજન્ય બિમારીના કેસ વધી રહ્યા છે, જેના પગલે શહેરના ભરતનગર, ચાવડીગેટ, વડવા, કુંભારવાડા, કરચલીયા પરા, ખેડૂતવાસ, આનંદનગર સહિતના વિસ્તારના આરોગ્ય કેન્દ્રો ખાતે સારવાર માટે લોકોની કતાર જોવા મળતી હોય છે.
મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે દર્દીઓને વિનામૂલ્યે તપાસ કરવામાં આવે છે અને દવા પણ આપવામાં આવે છે, જયારે દર્દીઓને શું ધ્યાન રાખવુ, શુ ખાવા વગેરે માહિતી આપવામાં આવે છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.
પાણીજન્ય બિમારીના પગલે સઘન સર્વેલન્સ કામગીરી યથાવત : અધિકારી
પાણીજન્ય બિમારીના પગલે મહાપાલિકાના આરોગ્ય વિભાગની સઘન સર્વેલન્સ કામગીરી યથાવત છે. આ ઉપરાંત ઓઆરએસના પેકેટ તેમજ કલોરિનની ગોળીઓનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પાણીજન્ય બીમારીના કેસ વધ્યા છે ત્યારે લોકોએ સાવચેતીના પગલ લેવા જરૂરી છે તેમ મહાપાલિકાના રોગચાળા નિયત્રંણ અધિકારી ડો. વિજય કાપડિયાએ માહિતી આપતા જણાવેલ છે.