Get The App

આકાશવાણી પર પહેલી વખત વડોદરાના પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ ગાયું હતું

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
આકાશવાણી પર પહેલી વખત વડોદરાના પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ ગાયું હતું 1 - image

વડોદરાઃ સ્વાતંત્ર્ય સંગ્રામમાં લાખો લોકોની પ્રેરણા બનેલા રાષ્ટ્રીય ગાન વંદે માતરમની અત્યાર સુધીમાં અલગ અલગ સંગીતકારોએ ૨૫૦ જેટલી ધૂનો બનાવી છે અને તેને વિવિધ ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે.અંગ્રેજી સહિત ભારતની અલગ અલગ ભાષાઓમાં વંદે માતરમનો ૪૦ વખત અનુવાદ થઈ ચૂકયો છે તેમ પૂણેના સંશોધક મિલિંદ સબનિસે કહ્યું હતું.

બંકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયે ૧૯૭૫માં લખેલા વંદે  માતરમ ગીતને આ વર્ષે ૧૫૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે.આ નિમિત્તે રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના નેજા હેઠળ એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસમાં પૂણેના મિલિંદ સબનીસના વંદે માતરમની સંગીત યાત્રા વિષય પર એક લેકચરનું આયોજન કરાયું હતું. તેમણે રસપ્રદ જાણકારી આપતા કહ્યું હતું કે, વંદે માતરમની રચના ૧૮૭૫માં થઈ હતી પરંતુ અંગ્રેજોએ બંગાળના કરેલા ભાગલા ના વિરોધમાં બોલાવાયેલી સભાના પગલે તેની  લોકપ્રિયતામાં વધારો શરુ થયો હતો.વંદે માતરમને  સૌથી પહેલા જાહેર મંચ પર અવાજ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ૧૮૯૬માં આપ્યો હતો.૧૯૦૫માં તેમના અવાજમાં વંદે માતરમ ગીતનું ભારતમાં પહેલી વખત તે સમયના ઉદ્યોગપતિ એચ.બોઝની મદદથી  રેકોર્ડિંગ થયું હતું.મિલિંદ સબનીસનું કહેવું છે કે, ૧૯૦૫માં મહર્ષિ અરવિંદે વડોદરામાં અંગ્રેજીમાં અને યોગાનુયોગ ૨૦૧૪માં એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકના અધ્યાપક ચિરાયુ પંડિતે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.આઝાદી બાદ આકાશવાણી પર  પહેલી વખત વંદેમાતરમને વડોદરાના દિગ્ગજ પંડિત ઓમકારનાથ ઠાકુર અને મુંબઈના હીરાબાઈ બડોદેકરે ગાયું હતું. આજે પણ આકાશવાણી પર વાગતી વંદે માતરમની ધૂનના સર્જક વિનાયક રામચંદ્ર આઠવલે પણ ૧૯૪૯માં વડોદરાની મ્યુઝિક કોલેજના પ્રિન્સિપાલ હતા.ત્રણ ભારત રત્ન લતા મંગેશકર, પંડિત ભીમસેન જોષી અને એમ.એસ.શુભલક્ષ્મીએ અલગ અલગ રીતે વંદે માતરમને ગાયું છે.યુવા પેઢીમાં વંદે માતરમને લોકપ્રિય બનાવવામાં એ આર રહેમાનનો મોટો ફાળો છે.

વંદે માતરમ રચાયા બાદ ભારત માતાના ચિત્રોનું સર્જન શરૃ થયું

વંદે માતરમના હરતા ફરતા  એન્સાયક્લોપિડિયા ગણાતા મિલિંદ સબનીસે કહ્યું હતું કે, વંદે માતરમ અને ભારત માતાની પરિકલ્પના એક બીજા સાથે સંકળાયેલી છે.આ ગીતના આધારે સૌથી પહેલા હરીશચંદ્ર હલધરેએ ભારત માતાનું પેઈન્ટિંગ દોર્યું હતું અને તે આનંદ મઠ પુસ્તકની પહેલી આવૃત્તિમાં ૧૯૮૨માં પ્રકાશિત થયું હતું.એ પછી અવનિંદ્રનાથ ઠાકુરે અલગ શૈલીથી ભારત માતાને સન્યાસિની સ્વરુપમાં દર્શાવતું પેઈન્ટિંગ બનાવ્યું હતું.પંડિત શ્રીપાદ દામાદોરદાસ સાતવડેકર, વાસુદેવ કામથ, દીનાનાથ દલાલ, સચિન દોશી જેવા ચિત્રકારોએ ભારત માતાના પેઈન્ટિંગ બનાવ્યા છે.જોકે સંગીતકારોએ જેટલું મહત્વ વંદે માતરમને આપ્યું છે તેટલું મહત્વ ચિત્રકારો તરફથી ભારતમાતાના પેઈન્ટિંગને મળ્યું નથી.૧૯૯૯માં સચિન દોશીએ વંદે માતરમ ગીતના શબ્દોના આધારે ભારત માતાનું જે પેઈન્ટિંગ બનાવ્યું હતું તેમાં માતા-પુત્રનો વિચાર કેન્દ્રમાં હતો.

માસ્ટર ક્રિષ્ણરાવ વંદે માતરમ માટે પંડિત નહેરુ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા 

વંદે માતરમની સંગીત યાત્રાની કેટલીક રસપ્રદ જાણકારી 

--પ્રભાત ફિલ્મ કંપનીના સંગીતકાર માસ્ટર ક્રિષ્ણરાવ અને વી ડી અંભયકરે વંદે માતરમને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપવા માટે સંઘર્ષ કર્યો હતો.તેઓ આ માટે પહેલા વડાપ્રધાન પંડિત નહેરુ સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા હતા

--૧૯૨૩માં આંધ્રપ્રદેશમાં કોંગ્રેસના કાકીનાડા અધિવેશનમાં મહંમદઅલી જૌહરે ધાર્મિક કારણસર વંદે માતરમ ગાવાનો ઈનકાર કરી દીધો ત્યારે પંડિત વિષ્ણુ દિગંબરજીએ મક્કમ થઈને  મંચ પરથી  વંદે માતરમને ગાયું હતું

--વંદેમાતરમનો ૪૦ વખત અનુવાદ થયો છે અને તેમાં સૌથી વધારે ૧૫ થી ૨૦ વખત અનુવાદ અંગ્રેજી ભાષામાં થયો છે.

--ભારતની આઝાદીના ૫૦ વર્ષ નિમિત્તે સંસદમાં મધરાતે પંડિત ભીમસેન જોષીએ વંદે માતરમ ગાયું હતું.

--એ આર રહેમાનનું મા તુઝે સલામ, વંદે માતરમ વધારે લોકપ્રિય છે પરંતુ ૧૯૯૭માં તેમણે બહાર પાડેલા આલ્બમમાં તેમણે વંદે માતરમના મૂળ વર્ઝનને સંગીત આપ્યું છે.

--મહાત્મા ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરની ઈચ્છા વંદેમાતરમને રાષ્ટ્રગીતનો દરજ્જો  મળે તેવી હતી.

નવરાત્રી પર્વમાંથી વંદે માતરમના સર્જનની પ્રેરણા 

બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયના ઘરે નવરાત્રી દરમિયાન દુર્ગાપૂજા થતી હતી અને આ જ દરમિયાન તેમને દુર્ગા માતાની મૂર્તિમાં ભારત માતાનું સ્વરુપ દેખાયું હતું.જેને તેમણે વંદે માતરમ સ્વરુપે શબ્દ દેહ આપ્યો હતો.આમ વંદે માતરમના સર્જનની પ્રેરણા તેમને નવરાત્રી પર્વમાંથી મળી હતી.

ટાગોરના અવાજમાં ૧૯૦૫મા રેકોર્ડ થયેલું વંદે માતરમ ૧૯૮૦માં મળ્યું 

રવિન્દ્રનાથ ટાગોરના અવાજમાં થયેલું વંદેમાતરમનું રેકોર્ડિંગ અંગ્રેજોએ આ ગીત પર મૂકેલા પ્રતિબંધના કારણે ૧૯૦૫માં ગાયબ થયું હતું અને અચાનક ૧૯૮૦માં એક રેકોર્ડ સંગ્રાહકને અકસ્માતે મળી આવ્યું હતું.તેમણે અગાઉ આ રેકોર્ડિંગ કરાવનાર ઉદ્યોગપતિ એચ.બોઝના પુત્રને મળીને રેકોર્ડ સોંપી હતી.જોકે રેકોર્ડ વગાડવા માટેના તે સમયના ગ્રામોફોન ૧૯૮૦માં ઉપલબ્ધ નહોતા.આખરે જર્મનીથી એક ગ્રામફોન મંગાવીને આ રેકોર્ડ વગાડવામાં આવી હતી.

વંદે માતરમના ૨૫૦ રેકોર્ડિંગનો સંગ્રહ 

વંદે માતરમ પર બે ભાગનું પુસ્તક લખનારા મિલિંદ સબનીસ પાસે  વંદે માતરમના ૨૫૦ જેટલા રેકોર્ડિંગ છે.આ માટે તેમને લિમ્કા બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળેલું છે.આ  પૈકીના કેટલાક રેકોર્ડિંગ તેમણે વિદ્યાર્થીઓને સંભળાવ્યા હતા.


Tags :